વલસાડ હાઈવે સુગર ફેક્ટરી ખોખરા ફળિયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોનાં કમકમાટીભર્યાં મોત નિપજ્યાં હતાં. જોકે 9 મહિનાના બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માત થતાં હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.


નવસારી ગણદેવી નજીક રહેતો પરિવાર હિટ એન્ડ રનનો ભોગ બન્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા અજયભાઈ વસુંધરા ડેરી અલીપોરમાં કામ કરતાં હતાં. જેઓ કોઈ કામ અર્થે તેમની બાઈક લઈને વલસાડ હાઈવેથી પસાર થઈ રહ્યા હતા.

ત્યારે વલસાડ હાઈવે સુગર ફેક્ટરી ખોખરા ફળિયા નજીક ટ્રક સાથે ટક્કર લાગતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના 4 વ્યક્તિઓનું મોત નિપજ્યું હતું. પરિવારમાં માતા-પિતા અને બે બાળકીના મોત નિપજ્યાં હતા જોકે માત્ર 9 મહિનાના બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો.

આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. અકસ્માત થયો તે રસ્તા પર લોહીલુહાણ જોતાં હાજર લોકોની આંખ ભીની થઈ ગઈ હતી. અકસ્માતના પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો.

અકસ્માત સ્થળ પર વલસાડના SP સહિત અન્ય પોલીસ અધિકારીનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહોને વલસાડ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડ્યા હતાં. જ્યારે ઇજાગ્રસ્ત બાળકને 108ની મદદથી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.