અમરેલી: હાલ ગુજરાતમાં કોરોનાનો કહેર છે ત્યારે રાજુલાના વાવેરા અને ચાંદલિયા ડુંગર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. કાર અકસ્માતમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ્યારે એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હરિદ્વારથી પરત આવતા હતા ત્યાર અકસ્માતની આ ઘટના સર્જાઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ રાજુલા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને તમામને હોસ્પિટલ ખસેડાયા હતા.


વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ ચાંદલિયા ડુંગરના મહંત લવકુશમુનિ બાપુ સહિત 4 લોકો હરિદ્વારથી પરત આવી રહ્યાં હતા ત્યારે સાવરકુંડલા વીજપડી માર્ગ તરફથી આવી રહેલી કાર વાવેરા આગળ ચાંદલીયા ડુંગર નજીક આવી તે સમયે કાર ચાલકે સ્ટેઈરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી. ત્યાર બાદ આસપાસના વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતોની ઊંઘ ઉડી ગઈ હતી અને તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. ઘટના સ્થળે જ મહંત લવકુશમુનિ બાપુ સહિત 3 લોકોનાં મોત નિપજ્યાં હતાં. જ્યારે એક વ્યક્તિ અતિ ગંભીર હાલતમાં હતો. જોકે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

સ્થાનિકોએ ચારેય લોકોને બહાર કાઢી રાજુલા 108 એમ્બ્લ્યુલન્સની ટીમને જાણ કરી હતી. 108 એમ્બ્યુલન્સની ટીમે ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક રાજુલા હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ તેમની હાલત પણ અતિ ગંભીર હતી, જેના કારણે તેમનું પણ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યાં હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ ઉપર દોડી ગઇ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

રાજુલા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, અકસ્માતમાં કાર મહંત લવકુશમુનિ બાપુ ચલાવતા હતા અને અચાનક ઝોકુ આવી જતાં કાર ઝાડ સાથે અથડાઈ હતી. રાજુલાના વાવેરા રોડ પર આવેલા ચાંદલીયા ડુંગર આશ્રમના મહંત લવકુશમુનિ બાપુનું અકસ્માતે અવસાન થતા મહંતના સેવકો ચાંદલીયા ડુંગર દોડી ગયા હતા.