અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વધુ 6 પોઝિટિવ કેસ નોંધાતા આંકડો 53 પર પહોંચ્યો હતો. કોરોનાના કારણે ગુજરાતમાં 3 લોકોનાં મોત નિપજ્યાં છે. ત્યારે હવે ગુજરાતમાં 3 કોરોનાગ્રસ્ત વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ આવતા એક સારા સમાચાર સામે આવ્યા છે.


આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં જણાવ્યું, અમદાવાદના 3, વડોદરા, ગાંધીનગર, મહેસાણાના 1-1 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તમામને સ્થાનિક સ્તરેથી ચેપ લાગ્યો છે. રાજ્યમાં કુલ 993 કેસ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 938 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. 53 કેસ પોઝિટિવ આવ્યા છે, જ્યારે બે કેસના રિપોર્ટ બાકી છે.

રાજ્યમાં કુલ 19,340 લોકોને હોમ કોરોંટાઈનમાં રાખવામાં આવ્યા છે. કોરોંટાઈન સમય પૂરો થયા બાદ આ સંખ્યામાં ઘટાડો થશે, છતાં પણ લોકોએ ઘરમાં રહેવું પડશે. આ ઉપરાંત 657 લોકોને સરકારી કોરોંટાઈન કરવા પડ્યા છે.

રાજયમાં હાલ ત્રણ પોઝિટિવ કેસ સુધારા પર છે. નિર્ધારિત સમય બાદ બે વાર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાં વાયરલ લોડ ઘટી રહ્યો હોવાનું સામે આવ્યું છે. વડોદરાના એક પુરુષ અને બે મહિલાના કેસ સુધારા પર છે. ધીમે ધીમે ડિસ્ચાર્જ પણ કરવામાં આવશે.

22 તારીખ પછી ફ્લાઈટ બંધ કર્યા પહેલા ઘણા લોકો ગુજરાતમા આવ્યા હતા. એટલે હજુ 10-14 દિવસમા કેસ વધી શકે છે.