ખેડાઃ ગુજરાત અને ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાલ, કોરોના વાયરસનો કહેર મચ્યો છે. ત્યારે ઇન્ડિનેશિયાના બાલી ટાપુ પર ગયેલા ગુજરાતના 3 સહિત ભારતના 27 કપલ ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ થતાં ત્યાં જ ફસાયા છે. દેશના 27 નવ પરણિત યુગલ ગત 13મી માર્ચે મુંબઈથી મલિન્ડો એર લાઈનમાં ઇન્ડોનેશિયાના બાલી ટાપુ ગયા હતા.


હવે 27 યુગલોની હનીમૂન ટ્રીપમાં કોરોનાનું વિઘ્ન આવ્યું છે, ત્યાં હાલ આ તમામ યુગલોને હોટલ પ્રશાસન હોટલ ખાલી કરવા દબાણ કરી રહ્યું છે. આ 27 યુગલોમાં રાજસ્થાનના જયપુર અને હૈદરાબાદ, કેરળ, પંજાબ, આંધ્ર પ્રદેશ, મુંબઈ, પુનાસ દિલ્હી, તામિલનાડુ, મોહાલી, યુપી અને ગુજરાતના  યુગલોનો સમાવેશ થાય છે.


આ ત્રણ યુગલોમાં ગુજરાતના મૂળ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ભાટેરા ગામનો એનઆરઆઈ યુવાન વિરલ ગોસ્વામી તેની પત્ની કાનન  (જે મૂળ આણંદ મેફેરરોડની કાશીધામ સોસાયટીની રહેવાસી છે) છે. જ્યારે અન્ય બે ખેડા જિલ્લાના યુગલોમાં નવા બિલોદરા નડીઆદના રોબિન પટેલ અને નિધિ પટેલ તેમજ મયુર પટેલ અને નિરાલી પટેલ  શ્રી સંતરામ ડેરી પાસે રામકૃપા સોસાયટીના રહીશ છે.


કેન્દ્ર સરકાર પાસે મદદની અપેક્ષા સાથે ખેડા જિલ્લાના નડીઆદના વિનોદ પટેલે આજે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને તેમજ ખેડા કલેક્ટરને પણ રજૂઆત કરી છે. એટલું જ નહીં, આજે ટવીટર પર પીએમઓ કાર્યાલયમાં રજૂઆત કરશે. બાલી ટાપુમાં ફસાયેલ હનીમૂન ટ્રીપ પર ગયેલા 27 યુગલોની અપેક્ષા છે કે સરકાર દેશ પરત આવવા મદદ કરે. બાલી ટાપુ પર ફસાયેલા લોકોએ તેમના પરિવારને વીડિયો મોકલ્યા છે. હાલ, આ વીડિયો ખેડા જિલ્લામાં વાયરલ થયો છે.