વલસાડઃ ગુજરામાં દિવાળી પછી કોરોનાએ ઉથલો મારતા ગુજરાત સરકાર હરકતમાં આવી ગઈ છે. તેમજ અત્યારે લગ્નગાળો ચાલતો હોય, ત્યાંથી કોરોનાનું સંક્રમણ થાય નહીં, તે માટે સરકારે લગ્ન માટેની ગાઇડલાઇન જાહેર કરી છે. તેમજ લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે.


બીજી તરફ કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કરીને અમદાવાદથી 400 લોકો સાથેની જાન વરરાજા સાથે ગઈ કાલે વલસાડમાં પારડીના સાંઢપોર આવી પહોંચી હતી. આ અંગે તંત્રને જાણ થતાં કોવિડ સ્પેશિયલ સ્ક્વોર્ડ લગ્ન સમારંભમાં આવી પહોંચી હતી અને કોરોનાની ગાઇડલાઇનના ભંગ અંગેની કાર્યવાહ હાથ ધરી હતી.

લગ્નની ગાઇડલાઇન ભંગ કરવા બદલ કોવિડ સ્પેશિયલ સ્ક્વોર્ડ દ્વારા 3 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને પોલીસને પણ જાણ કરવામાં આવી છે. ત્રણ અલગ અલગ રિસિપ્ટ આપવામાં આવી છે. જેની વિગતવાર વાત કરીએ તો નંદલાલ બાબુલાલ પ્રજાપતિ, સુરેશ રઘુનાથ પ્રજાપતિ અને રવિ ભોલાશંકર પ્રજાપતિ હજાર-હજાર મળી કુલ ત્રણ હજાર રૂપિયાનો દંડ કરાયો હતો.