ગુજરાતના ખેડૂતોને સારા વરસાદની હજુ જોવી પડશે રાહ. આગામી પાંચ દિવસ તો ગુજરાતમાં ભારે વરસાદની નથી કોઈ સંભાવના. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગના અનુસાર ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ તો વરસી શકે છે. પણ મન મૂકીને મેઘરાજા વરસે તેવી એક પણ સિસ્ટમ સક્રિય થઈ નથી. હવામાન વિભાગના મતે અનેક વખત લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય તો થઈ છે પણ ઉત્તર તરફ ફંટાઈ જવાના કારણે સારો વરસાદ વરસ્યો નહીં. ગુજરાતમાં હજુ 46 ટકા વરસાદની ઘટ છે.
ગીર સોમનાથ નદીમાં નવા નીર
ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના કારણે નદીમાં નવા નીરની આવક થઈ છે. ગીર વિસ્તારમાં અંદાજીત બેથી અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે ઉનાની રાવલી નદીમાં પાણીની આવક થઈ છે અને નદી બે કાંઠે વહી રહી છે. નદીમાં સારા પ્રમાણમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. કારણે આ પાણીની તેમની જમીન અને પાકને ફાયદો થશે.
ઓછા વરસાદથી વડોદરામાં જળસંકટ
વડોદરા સહિત રાજ્યમાં વરસાદ ઓછો વરસતા જળસંકટ ઉભુ થયુ છે. એવામાં વડોદરાના મેયર કેયુર રોકડીયાએ મંત્રી યોગેશ પટેલને પત્ર લખી નર્મદાનું પાણી વિનામૂલ્યે આપવાની માગ કરી છે. શહેરના આજવા સરોવરમાંથી શહેરના પૂર્વ અને દક્ષિણ ઝોન વિસ્તારમાં પાણી અપાય છે. પરંતુ જળ સપાટીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે મેયરે મંત્રી યોગેશ પટેલને પત્ર લખ્યો અને ચિંતા વ્યક્તિ કરી કે. આજવા સરોવરમાં પાણીનું લેવલ 205 ફૂટ જશે તો મુશ્કેલી પડશે. જેથી નર્મદાનું પાણી વિનામૂલ્યે આપવામાં આવે અને જો પાણીની વ્યવસ્થા નહીં થઈ શકે તો આગામી દિવસોમાં શહેરમાં પાણીકાપ મુકાશે.
રાજ્યના 207 જળાશયોમાં 47.75 ટકા પાણીનો સંગ્રહ છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં 45.51 ટકા જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં માત્ર 23.97 ટકા પાણીનો જથ્થો છે.
આ વર્ષે વરસાદ ઓછો થવાને કારણે રાજ્યમાં પાણીનો જથ્થો ઘટી રહ્યો છે. નર્મદા ડેમમાં 45.51 ટકા પાણીનો જથ્થો છે. તો સૌરાષ્ટ્રના 141 ડેમોમાં હાલ 40 ટકા જેટલો પાણીનો જથ્થો છે. તો દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં અત્યારે 60 ટકા જેટલો પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો 17 ડેમોમાં 42 ટકા પાણીનો સંગ્રહ છે. રાજ્યમાં અત્યાર સુધી 46 ટકા વરસાદની ઘટ છે.