જૂનાગઢ જિલ્લાના મેંદરડાના ગાંઠીલા ગામની ચોકડી પાસે એક કાર અકસ્માતમાં 5 લોકોનાં ધટનાસ્થળે મોત નિપજ્યાં હતાં. આ અકસ્માત થતાં જ નજીકના લોકો દોડી આવ્યા હતાં. કારનો એટલો કચ્ચરઘાણ નીકળી ગયો હતો કે મૃતકોને પણ કાચ તોડીને બહાર કાઢ્યા હતાં.

જૂનાગઢના ગાંઠીલા પાસેથી પસાર થતી કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર પુલની દિવાલ સાથે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 7 લોકોમાંથી 5 લોકોનાં ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતાં. જ્યારે 2 લોકોને ગંભીર ઈજા થતાં તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.

ઈશાંત પોતાના મિત્રો સાથે દીવ ફરવા ગયો હતો અને સાસણ થઈને જૂનાગઢ પરત આવતો હતો. જોકે ગુરૂવારે રાતે ગાડી ફુલ સ્પીડમાં હતી ત્યારે ઈશાંતે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી રસ્તા પરથી ઉતરી ચાર ફુટની દીવાલ તોડી 20 ફુટ ઉંડા નાળામાં ખાબકી અને ફરી રસ્તા પર આવી વીજળના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા.

આ ઘટનામાં જે કાર દુર્ઘટનાનો શિકાર બની છે તે ફોર્ડ એન્ડેવર કાર હતી. ફોર્ડ એન્ડેવર કારના (GJ-11-CD-0001) ચાલક ઇશાન્ત ચંદાણીએ સ્ટેયરિંગ પર કાબુ ગુમાવતા કારમાં સવાર 7 વ્યક્તિઓ પૈકી 5નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. કાર એટલી ઝડપે અથડાઈ કે તેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતના પગલે સ્થાનિકોનો ટાળાં વળ્યાં હતાં. કારમાં ચગદાઈ ગયેલાં લોકોને કાચ તોડીને બહાર કઢાયાં હતાં.

આ ઘટનામાં મોતને ભેટનાર વ્યક્તિઓમાં ઇશાંત સલીમભાઈ ચંદાણી (ઉંમર-19), એઝાઝ ફિરોઝભાઈ ચંદાણી (ઉંમર-25), ભાવિક કાળુભાઇ મકવાણા (ઉંમર-24), પાયલબેન વિનોદભાઈ લાઠીયા (ઉંમર-20) અને કુંજનબેન પ્રદીપગીરી અપારનાથી (ઉંમર-20)નો સમાવેશ થાય છે. જ્યારે ઘાયલ લોકોની યાદીમાં સુનિલ સોલંકી (ઉંમર-24) અને સમન સલીમભાઈ મીર (ઉંમર- 15)નો સમાવેશ થાય છે.