Rain update :દ્રારકામાં પડેલો મૂશળધાર વરસાદ આફતરૂપ બની ગયો છે. વરસાદના વિરામ બાદ પણ અહીં હજુ કેટલાક ગામડામાં પૂર જેવી જ સ્થિતિ છે. આહિર સિંહણ ગામે પાંચ લોકો પૂરના પાણીમાં ફસાયા હતા.                     


દ્વારકામાં પડેલો ધોધમાર વરસાદ વિરામ બાદ પણ લોકો માટે આફતનું કારણ બન્યો છે. દ્રારકાના કેટલાક ગામમાં વરસાદનું જોર ઘટ્યા બાદ પણ વરસાદી  નીર હજુ ઓસર્યો નથી. અહીં દ્વારકાના આહિર સિંહણ ગામે પાંચ લોકો રસ્તો ક્રોસ કરવા જતાં ધસમસતા પુરના પાણીમાં ફસાયા હતા. બાળકો સહિત પાંચ લોકો પાણીમાં ફસાઇ જતાં પાંચેય લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે સ્થાનિક મદદ માટે દોડી આવ્યાં હતા અને પાંચેય લોકોનું રેસ્કયુ કર્યું હતું. આ વિસ્તારમાં દર ચોમાસે પાણી ભરાઇ જતાં રસ્તો ક્રોસ કરવો મુશ્કેલ બની જાય છે. સ્થાનિકોએ તેમની મુશ્કેલી મીડિયા સમક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, આ વિસ્તારમા પુલની તાતી જરૂરીયાત છે. ચોમાસામાં પાણી ભરાઇ જતાં દર ચોમાસે આ સ્થિતિનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સ્થાનિક લોકોએ પુલના નિર્માણની માંગણી કરી હતી. 


ગુજરાતમાં વિરામ બાદ આજે  ફરી એકવાર વરસાદી આગાહી કરવામાં આવી છે, હવામાન નિષ્ણાતો અનુસાર, આજે આગામી ત્રણ કલાકમાં ગુજરાતમાં 20થી 25 જિલ્લાઓમાં ધોધમાર પડી શકે છે. મળતી માહિતી પ્રમાણે, આજે ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં આજે વરસાદી વાતાવરણ રહેશે, આમાં આગામી ત્રણ કલાકમાં અમદાવાદ, પંચમહાલ, ખેડા, સુરેન્દ્રનગર, છોટા ઉદેપુર, નર્મદા, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, બોટાદ જિલ્લાઓમાં ભારેથી સામાન્ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આગામી 3 કલાક દરમિયાન મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે, આમાં ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલી, છોટા ઉદેપુર, નર્મદા, જામનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છ, આણંદ, દાહોદ જેવા જિલ્લાઓ સામેલ છે, આગાહી પ્રમાણે આ જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદ પડવાની સંભાવના છે.


દિલ્હી, પંજાબ, હિમાચલ અને ગુજરાત સહિતના ઉત્તર-પશ્ચિમ રાજ્યોમાં આ ચોમાસામાં ભારે વરસાદ થઈ રહ્યો છે. દિલ્હીમાં અત્યાર સુધી સામાન્ય કરતા 45% વધુ વરસાદ થયો છે. બીજી તરફ ગુજરાતમાં 90% થી વધુ  વરસાદ વરસી ચૂક્યો છે.