અમદાવાદ: હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે છેલ્લા 12 કલાકમાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ તલાલામાં નોંધાયો છે. તલાલામાં 6 ઈંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું જ્યારે નદી-નાળાં બે કાંઠે વહેતા જોવા મળ્યાં હતાં.

છેલ્લા 12 કલાકમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. ગીર સોમનાથમાં 6 ઈંચ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. જ્યારે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

ગીરસોમનાથના તલાલામાં 6 ઈંચ, બનાસકાંઠાના દાંતામાં સવા ત્રણ ઈંચ, રાજકોટના લોધિકા અને પડધરીમાં 3 ઈંચ, જૂનાગઢના માંગરોળમાં 3 ઈંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં પોણા ત્રણ ઈંચ, જામનગરના જોડિયા અને ધ્રોલમાં અઢી ઈંચ, મોડાસામાં અઢી ઈંચ અને જામજોધપુરમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

ભારે વરસાદના કારણે ડેમ, નદીઓ અને નાળાંઓ ઓવરફ્લો થઈ ગયા છે. ગુજરાતમાં આ વખતે 100 ટકાથી પણ વધારે વરસાદ નોંધાયો છે.
રાજ્યના વિવિધ ડેમોમાં ભારે વરસાદને પગલે પાણીની મબલખ આવક થઈ છે. નર્મદા ડેમની સપાટીમાં પણ વધારો થયો છે, ત્યારે ડેમની આસપાસના વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે.