અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. આજે સાંજે અમદાવાદમાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા. અમદાવાદમાં મોડી સાંજે બોપલ,ઘૂમા, પ્રહલાદનગર, સાયન્સ સિટી,સેટેલાઈટ, ઓઢવ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા. તે સિવાય ગાંધીનગરમાં પણ વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તે સિવાય હવામાન વિભાગે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે. ઉપરાંત બનાસકાંઠા, રાજકોટ, ગીર સોમનાથમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. તાલાલામાં છ ઈંચ વરસાદથી પ્રાચીનું માધવરય મંદિરમાં પાણી ભરાયા હતા. હિરણ 2 ડેમમાં ભારે પાણીની આવક થતાં ડેમના ત્રણ દરવાજા ખોલાયા હતા.