રાજકોટઃ દક્ષિણ-પૂર્વ મધ્યપ્રદેશ, ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રમાં અપર સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાવાને કારણે રવિવારે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લામાં 2 થી 7 ઈંચ, સોરઠમાં 1થી 5 ઈંચ તો રાજુલામાં 5 ઈંચ અને  અન્ય વિસ્તારોમાં અડધાથી 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.


ગીર-સોમનાથનાં કોડીનાર 5, ઉના 4, વેરાવળ3.5, તાલાલા 3, સુત્રાપાડા 4, જૂનાગઢનાં ભેંસાણ, જૂનાગઢ, બાંટવામાં 3, માળિયામાં 3.5, મેંદરડા- માણાવદર 2.5 ઈંચ વરસાદ પડ્યો હતો. પોરબંદરના કુતિયાણામાં 1, અમરેલી 6, રાજુલા-જાફરાબાદ5, લીલીયા 4, વડીયા- લાઠી-બગસરા 4.5, સાવરકુંડલા 3, ખાંભા-ધારી 2.5ઇંચ વરસાદ પડ્યો હતો. ભાવનગર અને ઘોઘા 3.5, સિહોર 3, ઉમરાળા 2.5, મહુવા, વલ્લભીપુરમાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો.

રાજકોટ જિલ્લામાં પાટણવાવના ઓસમ ડૂંગર પર 5 ઈંચ અને જેતપુરમાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ઉપલેટા, ગોંડલ, જસદણ, ધોરાજી,આટકોટ અને કલાણામાં 2થી 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં રવિવારે વલસાડ, વાપી, બારડોલી, નવસારી અને સુરત શહેર-જિલ્લામાં અડધોથી 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વડોદરા શહેરમાં પણ લાંબા વિરામ બાદ 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

મહુવા શહેર અને તાલુકામાં ગઇ રાત્રીના અને આજે દિવસ દરમિયાન કુલ 2 થી 2.5 ઈંચ ગાજવીજ અને પવન સાથે વરસાદ પડ્યો હતો.

તળાવામાં આ સિઝનમાં કુલ વરસાદનો આંક 585 મી.મી.ને આંબી ગયો છે અને હજી વરસાદી માહોલ હોય આ સિઝનમાં વરસાદ 600 મી.મી. વટાવી જાય તેવા સંજોગો છે. બગદાણા પંથકમાં આજ સાંજ સુધીમાં એકથી દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. બગડ નદી સહિતના નાળા અને વોકળામાં આ વરસાદથી પાણી વહેતા થઇ ગયા છે.

અમરેલી શહેરમાં શનિવાર મધરાતથી રવિવાર મોડી સાંજ સુધીમાં છ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો જેને પગલે શહેરમા ઠેરઠેર નિચાણવાળા વિસ્તારમા પાણી ભરાયા હતા. ઠેબી નદીમાં પુર આવ્યું હતુ. વાતાવરણમા ઠંડક પ્રસરી હતી. ઉપરાંત રાજુલામા પાંચ જાફરાબાદમાં સાડા પાંચ, બગસરામા પાંચ ઇંચ, વડીયા, સાવરકુંડલા, લીલીયા, લાઠીમાં ચાર ઇંચ વરસાદ થયો હતો. તો ધારી અને ખાંભામા પણ ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ ખાબકયો હતો. બાબરા પંથકમા સૌથી ઓછો માત્ર એક ઇંચ વરસાદ થયો હતો.

મહેસાણામાં રવિવારે રાત્રે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.