પંચમહાલ: હવામાન વિભાગની આગાહી વચ્ચે પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે પંચમહાલ જિલ્લામાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. પંચમહાલ જિલ્લામાં સતત વરસી રહેલા  વરસાદ વચ્ચે વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.  મોરવા હડફ તાલુકામાં પાનમ નદીમાં ફસાયેલા 60 મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.  શહેરાના પોયડા ગામે નાયક ફળિયામાંથી 70 વ્યક્તિઓને સ્થળાંતર કરાવીને પ્રાથમિક શાળામાં આશરો આપવામાં આવ્યો છે.   નાંટાપુર ગામ નજીક પાનમ નદીમા 50થી વધુ  લોકો ફસાયા હતા.  SDRF  રેન્જ આઇજી જિલ્લા પોલીસ ટીમ ધટના સ્થળે પહોંચી અન  રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું. પાણીના વહેણ વચ્ચે ફસાયેલ તમામ મજૂરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.  ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત પાનમ નદીમાં કામ કરી રહ્યા હતા આ તમામ મજૂરો. 






પાનમ ડેમ માથી 60 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જિલ્લાના જીવા દોરી સમાન પાનમ ડેમ 80 ટકા ભરાયો છે.  પાનમ ડેમ 173662 કયુસેક પાણીની આવક થઈ છે.   જળ સપાટી 12.55 પર પહોંચી છે.  પાછોતરા વરસાદને કારણે પાછલા ત્રણ વર્ષથી પાનમ ડેમ સંપૂર્ણ ભરાયો નહોતો.


ગોધરા રેલવે સ્ટેશન ખાતે રેલ્વે ટ્રેક પાણીમાં ગરકાવ થયો છે.  મોડી રાતથી સતત પડી રહેલા વરસાદને કારણે રેલવે ટ્રેક ઉપર પાણી ભરાયાં છે.  રેલવે ટ્રેક ઉપર પાણી ભરાતા સિગ્નલ લોકીંગ સિસ્ટમ પર અસર પડી છે.  મુંબઈ-દિલ્હી વચ્ચે ટ્રેન વ્યવહાર પર અસર પડી છે.  મુસાફર ટ્રેનો પસાર કરવા માટેના રેલવે વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.


પાનમ પાટિયાથી પાનમ ડેમ જતા મુખ્ય માર્ગ પર પાણી ભરાયાં છે. પાનમ ડેમ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે.  પાડી વાછરડી ઉછેર કેન્દ્ર આગળ કુદરતી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. 



પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદના પગલે મોરવા હડફ વિસ્તારમાં હડફ નદી બે કાંઠે વહેતી થઈ છે. હડફ ડેમમાંથી 49105 કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે હડફ નદી બે કાંઠે વહી રહી છે. 


આજે અરવલ્લી, ખેડા, મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.  સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સાબરકાંઠા, આણંદ અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, નર્મદા, તાપી, છોટા ઉદેપુર અને સુરતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.