ગાંધીનગર: પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી અને આસપાસના વિસ્તારને માળખાકીય સુવિધાઓ વિકસિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ બહુચરાજી તાલુકાના સાત ગામોની 825 હેક્ટર જમીનનો બહુચરાજી વિસ્તાર વિકાસ મંડળમાં સમાવેશ કર્યો છે. આ જાહેરાતથી યાત્રાધામ બહુચરાજીમાં આર્થિક પ્રવૃતિઓના વિકાસને વેગ મળશે.
CMO દ્વારા X પર પોસ્ટ કરી આ અંગે જાહેરાત કરવામાં આવી છે. પોસ્ટમાં જણાવ્યું છે કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે દુર્ગાષ્ટમીના પાવન પર્વે સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી તેમજ તેની આસપાસના શંખલપુર, કાલરી, ગણેશપૂરા, પ્રતાપગઢ, ફિંચડી, ડેડાણા, એદલા ગામો સહિત અંદાજે 825 હેક્ટર વિસ્તારમાં ધાર્મિક અને આર્થિક પ્રવૃત્તિઓના વિકાસને વેગ આપવાના હેતુથી બેચરાજી વિસ્તાર વિકાસ સત્તામંડળની રચના કરવાનો નિર્ણય કર્યો છે.
આ નિર્ણયથી ઉત્તમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ઉભી થવા ઉપરાંત બેચરાજી અને આસપાસના ઔદ્યોગિક-વાણિજ્યિક એકમોને પ્રોત્સાહન મળશે, નવા મૂડીરોકાણોની સંભાવનાઓ ઉજ્જવળ બનશે અને રોજગારીની નવી તકો સાથે આર્થિક વિકાસના નવાં દ્વાર ખુલશે.
મહેસાણાના બહુચરાજી વિસ્તારના સાત ગામોને મેળવી વિકાસ સત્તા મંડળની રચનાની મુખ્ય મંત્રી દ્વારા જાહેરત કરતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પ્રેસ કોન્ફરન્સ કરી મીડિયાને માહિતી આપી હતી.
મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું કે, મહેસાણાના ઉદ્યોગ અને યાત્રિક શહેર બહુચરાજી અને આ વિસ્તારના સાત ગામોને મેળવી વિકાસ સત્તા મંડળની જાહેરત કરાઇ છે. આ વિસ્તારમાં ધાર્મિક અને આર્થિક પ્રવૃત્તિઓના વિકાસની પ્રબળ સંભાવનાઓ રહેલી છે જેને વાસ્તવિક રૂપ આપવાની નેમ સાથે આજે બેચરાજી વિસ્તાર વિકાસ સત્તામંડળની રચના કરવાનો નિર્ણય કર્યો છે.
બેચરાજી તેમજ તેની આજુબાજુના શંખલપુર, કાલરી, ગણેશપૂરા, પ્રતાપગઢ, ફિંચડી, ડેડાણા, એદલા ગામોના સહિત અંદાજે 825 હેક્ટર વિસ્તારને આ બેચરાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. નવી રચાયેલી આ બેચરાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આ વિસ્તાર માટે ડેવલપમેન્ટ પ્લાન બનાવીને નગરરચના યોજનાઓનું આયોજન કરી શકાશે. જેના પરિણામે રોડ, સ્ટ્રીટ લાઈટ્સ, બાગ-બગીચા, ડ્રેનેજ જેવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ પૂરી પાડી શકાશે. આ નિર્ણય થકી બેચરાજી અને આસપાસના ઔદ્યોગિક-વાણિજ્યિક એકમોને પ્રોત્સાહન મળશે, નવા મૂડીરોકાણોની સંભાવનાઓ ઉજ્જવળ બનશે અને રોજગારીની નવી તકો સાથે આર્થિક વિકાસના નવા દ્વાર ખુલશે.
એક તરફ બહુચરાજી વિસ્તારમાં ઓટો મોબાઇલની વિવિધ કંપનીઓ આવેલ છે ત્યારે બીજી તરફ આ વિસ્તારોમાં રોજગારીની તકો વધી છે તેવામાં સરકારના આ નિર્ણયના કારણે આ વિસ્તારના વિકાસના કામોને હરણફાળ મળશે.