વિરમગામઃ ગુજરાતમાં કડવા પાટીદાર સમાજના દિગ્ગજ આગેવાન અને ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના ઉપપ્રમુખ વાસુદેવભાઈ પટેલનું નિધન થયું છે. ઝાલાવાડી સમાજના અગ્રણી વાસુદેવભાઈ પટેલે 80 વર્ષની વયે કોરોનાને મહાત આપી હતી પણ ઈન્ટર ઓર્ગન ડેમેજ હોવાના કારણે તેમનું નિધન થયું છે. વાસુદેવભાઈ પટેલનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન સોમવારે સવારે અવસાન થતાં પાટીદાર સમાજમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી.


વાસુ દાદા તરીકે જાણીતા વાસુદેવભાઈ પટેલની કડવા પાટીદારોની આસ્થાના કેન્દ્ર ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના ઉપપ્રમુખ તરીકે એક માસ અગાઉ જ નિમણૂંક કરાઈ હતી. આ ઉપરાંત અમદાવાદમાં સોલા ખાતે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા નિર્માણાધીન ઉમિયાધામના નિર્માણ કાર્યમાં પણ તેમનું મહત્વનું યોગદાન હતું.


કોરોનાની ત્રીજી લહેર શરૂ થતાં 20 દિવસ વાસુદેવભાઈ પટેલ અગાઉ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. તેમની અમદાવાદ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પાંચ દિવસ અગાઉ તે સાજા થઈ ગયા હતા પણ 80 વર્ષની ઉંમરે કોરોનાને હંફાવનાર વાસુદેવભાઈ પટેલ સોમવારે સવારે ઈન્ટર ઓર્ગન ડેમેજના કારણે મોત સામે હારી ગયા હતા.


વિરમગામ તાલુકાના દેવપુરા ગામના વતની વાસુદેવભાઈ લવજીભાઈ પટેલે અમદાવાદને કર્મભૂમિ બનાવી હતી. સબમર્સિબલ પંપના વ્યવસાયથી શરૂઆત કર્યા બાદ રીયલ એસ્ટેટ બિઝનેસ  સાથે જોડાયા હતા. છેલ્લા 20 વર્ષથી બિઝનેસ છોડીને પોતે સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાઈ ઝાલાવાડી કડવા પાટીદાર સમાજ તેમજ સ્વામિનારાયણ સંસ્થામાં સેવાકાર્યો કરી રહ્યા હતા.


ખાખરિયા ઝાલાવાડી કડવા પાટીદાર સમાજ કેળવણી મંડળ અમદાવાદની સ્થાપના કર્યા બાદ કડીમાં સમાજ પ્રેરિત સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ તરીકે કામ કર્યું હતું. સામાજિક અને ધાર્મિક કુનેહ સાથે સમાજ ઉત્થાનના કાર્યો થકી પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદારો અને સરકાર વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી.કડીના સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યાના 17 વર્ષના શાસનકાળમાં 19 બિલ્ડિંગો ઉભી કરી બાલમંદિરથી લઇ કોલેજ સુધીના અભ્યાસક્રમો શરૂ કરી દીકરા- દીકરીઓને શિક્ષિત બનાવી પગભર બનાવવામાં મહત્વનું યોગદાન વાસુદાદાએ આપ્યું છે.