અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં છેલ્લા એક અઠવાડિયામાં અનેક મંત્રીઓ અને ધારાસભ્યો એક પછી એક કોરોનાની લપેટમાં આવી રહ્યા છે ત્યારે હવે વધુ એઓક ધારાસભ્યને કોરોના થયો છે. રાજ્યના ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી અને ભિલોડાના કોગ્રેસના ધારાસભ્ય ડૉ.અનિલ જોશીયારા પણ કોરોનાથી સંક્રમિત થયા છે. ચિંતાની વાત એ છે કે, ડૉ. અનિલ જોશીયારાને પહેલાં ભિલોડામાં જ સારવાર અપાતી હતી પણ પછી ડૉ. અનિલ જોશીયારાની અચાનક તબીયત લથડતાં તેમને અમદાવાદ લાવવા પડ્યા છે. ડૉ. અનિલ જોશીયારાને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને ત્યાં તેમની તબિયત ગંભીર થતાં વેન્ટિલેટર પર રખાયા છે.
ડૉ. અનિલ જોશીયારાનાં પરિવારજનો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ભિલોડાના ધારાસભ્ય ધારાસભ્ય ડૉ.અનિલ જોશીયારા ગયા સપ્પાહે કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમની સારવાર ચાલી રહી હતી પણ તબિયતમાં કોઈ સુધારો દેખાતો નહોતો. દરમિયાનમાં ચારેક દિવસ પહેલાં ડૉ. અનિલ જોશીયારાની તબિયત અચાનક લથડતાં ડૉ.જોશીયારાને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.
ડૉ. અનિલ જોશીયારાના પરિવારનાં તથા કોંગ્રેસનાં સૂત્રોના મતે, છેલ્લાં ત્રણેક દિવસથી ડૉ. અનિલ જોશીયારાને સિમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રખાયા છે. કોંગ્રેસના ટોચના નેતાઓએ પરિવારજનોનો સંપર્ક કર્યો અને અનિલ જોશીયારાના ખબરઅંતર પૂછ્યા હતાં. ડૉકટરોનું કહેવુ છે કે, જોશીયારાને એકાદ સપ્તાહ સુધી ઓબર્ઝેવેશનમાં રખાશે. હાલમાં તેમની તબિયત સ્થિર છે અને વેન્ટિલેટર પર હોવાથી કોઈ ખતરો નથી. અલબત્ત તેમને એક સપ્તાહ સુધી તો વેન્ટિલેટર પર રખાશે જ એ જોતાં તેમના સમર્થકો અને કોંગ્રેસના કાર્યકરોમાં ચિંતાની લાગણી છે.
નોધનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધી મંત્રી જીતુ ચૌધરી, મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, મંત્રી રાઘવજી પટેલ, ધારાસભ્ય અક્ષય પટેલ, ધારાસભ્ય શૈલેશ મહેતા, ધારાસભ્ય અજમલજી ઠાકોર, ધારાસભ્ય પ્રતાપ દુધાત, સાંસદ પૂનમ માડમ સહિત અન્ય ધારાસભ્યો,નેતાઓ ઉપરાંત કાર્યકરો પણ કોરોનાની લપેટમાં આવી ચૂકયા છે.