અમરેલી: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાખબાઈ ગામે 9 મરઘાના મોત થતા ફફડાટ ફેલાઈ ગયોછે. છેલ્લા ત્રણ દિવસથી ખાનગી માલિકીના વાડામાં પક્ષીઓના શંકાસ્પદ રીતે મૃત્યુ થઈ રહ્યા છે. આ અગાઉ 50 ઉપરાંત મરઘાઓના મૃત્યુ થયાનું હોવાનું માલિકનું કહેવું છે.


બર્ડફ્લુની દહેશત વચ્ચે મરઘાઓના શંકાસ્પદ રીતે મોત થતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. પશુપાલન વિભાગ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને પક્ષીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. એક મરઘાનું સેમ્પલ રિપોર્ટ માટે ભોપાલ ખાતે મોકલવામાં આવશે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 9 જિલ્લામાં બર્ડ ફ્લૂનો પગપેસારો થઈ ચૂક્યો છે. ભાવનગર અગાઉ ગીર સોમનાથ, સુરત, વલસાડ, વડોદરા, નવસારી, ડાંગ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં બર્ડ ફ્લૂના કેસો નોંધાઈ ચૂક્યા છે.