Kutch : કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય સેનામાં ભરતી અંગે જાહેર કરેલી અગ્નિપથ યોજના (Agnipath Scheme)નો દેશના અનેક રાજ્યોમાં હજારો યુવાનો વિરોધ કરી રહ્યા છે, આવા વાતારવરણમાં કચ્છના એક યુવાને આ યોજનાને અનોખી રીતે સમર્થન આપ્યું છે. મૂળ ભાવનગર જિલ્લાના ટીમાણા ગામના વતની અને હાલમાં કચ્છના દયાપરમાં રહેતા  23 વર્ષીય  યુવાન દીપક ડાંગરે પોતાના લોહોથી  રક્ષા મંત્રી રાજનાથસિંહને (Rajnath Singh)પત્ર લખ્યો છે. 


આ પત્રમાં અગ્નિપથ યોજનાના સમર્થનમાં દીપકે લખ્યું છે કે શૂન્ય વેતન સાથે સેનામાં ભરતી થવા તૈયાર છે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહને પોતાના લોહીથી લખેલા પત્રમાં શૂન્ય વેતન સાથે સેનામાં જોડાઇને દેશ સેવા કરવાની ઇચ્છા વ્યક્ત કરી. આ સાથે જ હાલ સરકારી સંપતિને નુકસાન પહોંચાડી રહેલા યુવાઓને પણ હિંસક વિરોધ બંધ કરવા અપીલ કરી છે. 


અગ્નિવીરો માટે કેન્દ્ર સરકારે વધારાના લાભો જાહેર કર્યા 
અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે સરકારે શનિવારે વધુ એક મોટી જાહેરાત કરી છે. અગ્નિવીર માટે મોટી જાહેરાત કરતી વખતે, સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે અગ્નિવીરોને સંરક્ષણ મંત્રાલયમાં નોકરી માટે 10% જોબ રિઝર્વેશન મળશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે તેને મંજૂરી આપી દીધી છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ડિફેન્સ સિવિલિયન પોસ્ટ્સ અને તમામ 16 ડિફેન્સ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સમાં 10% અનામત લાગુ કરવામાં આવશે. આ આરક્ષણ ભૂતપૂર્વ સૈનિકો માટેના હાલના આરક્ષણ ઉપરાંત હશે.


આ જોગવાઈઓને લાગુ કરવા માટે સંબંધિત ભરતી નિયમોમાં જરૂરી સુધારાઓ કરવામાં આવશે. સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમોને તેમના સંબંધિત ભરતી નિયમોમાં સમાન સુધારા કરવાની સલાહ આપવામાં આવશે. જરૂરી ઉંમરમાં છૂટછાટની જોગવાઈ પણ કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયમાં નોકરીની 10% ખાલી જગ્યાઓ અગ્નિવીરો માટે આરક્ષિત રહેશે, જેઓ જરૂરી પાત્રતા માપદંડોને પૂર્ણ કરે છે.