બનાસકાંઠા: થરાદના ઢીમાંપુલ ઉપરથી યુવતીએ મોતની છલાંગ લગાવી છે. નર્મદાની મુખ્ય કેનાલમાં 23 વર્ષીય યુવતીએ કુદીને આત્મહત્યા કરી છે. ત્યાર બાદ સ્થાનિક લોકોને આ ઘટનાની જાણ થતા તેમણે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. એક કલાકની જહેમત બાદ યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક યુવતીનું નામ દરિયાબેન પઢીયાર હોવાનું સામે આવ્યું છે અને તે ઢીમાગામની વતની છે. હાલમાં તેના મૃતદેહને બહાર કાઢી પરિવારને જાણ કરવામાં આવી છે. જો કે, યુવતીએ મોતની છલાંગ કેમ લગાવી તે અંગે રહસ્ય અકબંધ છે.


બાઈક પર પાવાગઢ મંદિરે દર્શને જતા 3 કોલેજીયન યુવકોના અકસ્માતમાં મોત
Accident: હાલોલ વડોદરા રોડ ઉપર અકસ્માત થયો છે જેમાં ત્રણ યુવકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ યુવકો મોટરસાયકલ લઈ વડોદરાથી પાવાગઢ જઈ રહ્યા હતા. આ દરમિયાન હાલોલ નજીક હાઇવે ઉપર ડમ્પરે મોટરસાયકલને ટક્કર મારી હતી. જે બાદ 3 યુવકોના મોત થયા હતા. મૃતક  યુવકોમાં એક દેવાગઢ બારીયા, એક લુણાવાડા અને એક દાહોદના ગરબાડાનો રહેવાસી હતો. યુવકો વડોદરા નજીક કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હતા. આ ત્રણેય યુવકો વડોદરા પાસે સુમન દીપ કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરી રહ્યા હતા. પાંચ યુવકો બે મોટરસાયકલ લઈ પાવાગઢ મહાકાળીના દર્શને નીકળ્યા હતા. મોટરસાયકલ ઉપર સવાર ત્રણેય યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. હાલમાં તમામ મૃતદેહોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. ઘટનાને પગલે અરેરાટી મચી ગઈ છે.


મહિસાગરમાં ભારે વરસાદને પગલે મકાન ધારાશાયી થતા મહિલા અને બાળકીનું મોત
હાલમાં મહિસાગર વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. તો બીજી તરફ સંતરામપુરના ખેડાપા ગામે મકાન ધારાશાયી થતા મહિલા અને બાળકીનું મોત થયું છે. જે બાદ સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય અને મંત્રી કુબેર ડીંડોરએ વિડીયો દ્વારા શોખ વ્યક્ત કર્યો હતો અને પરિવારને સાંત્વના પાઠવી હતી.


ભારે વરસાદને પગલે મહિસાગર જિલ્લામાં કડાણા ડેમમાં 3871 ક્યુસેક પાણીની આવક થઈ છે. કડાણા ડેમના કેચમેંન્ટ વિસ્તારમાં વરસાદને કારણે આવક નોધાઇ છે. ડેમનું લેવલ 380 ફૂટ અને 4 ઇચ છે. કડાણા ડેમની ભયજનક સપાટી 419 ફૂટ છે. સંતરામપુર તાલુકામાં 3 ઇચ વરસાદ નોંધાયો છે. કડાણા તાલુકામાં 1 ઇંચ તો બાલાસિનોર તાલુકામાં 16 mm, લુણાવાડા તાલુકામાં 15 mm વરસાદ નોંધાયો છે. જિલ્લામાં રાત્રી દરમિયાન સારો વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. સંતરામપુર, કડાણા, ગોઠીબ, લુણાવાડા, વરધરી, દીવડા, ડીટવાસ વગેરે ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.