અમદાવાદ: સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનમાં મુંબઇથી રાજકોટ જતાં આંગડિયા પેઢીના કર્મચારી સાથે લૂંટની ઘટના બની છે. રિઝર્વેશન કોચમાં કર્મચારીએ પોતાની સીટની નીચે મૂકેલી 14 લાખથી વધુની કિંમતની ચાંદી ભરેલી બેગની ચોરી થઈ છે. ટ્રેનમાં બનેલી આ લૂંટના કેસમાં રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મુંબઇના ફોફલવાડી બિલ્ડિંગમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના રામચરણ ઉમેદસીંગ તોમરે વડોદરા રેલવે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મુંબઇમાં સુર્યા આંગડિયા પેઢીમાં નોકરી કરું છું. તારીખ 14ના રોજ રાત્રે હું ઓફિસ ખાતેથી કાળા રંગની તથા બીજી લીલા રંગની સફેદ લાઇનિંગવાળી પીઠુંબેગ જેમાં સફેદ રંગનો થેલો મૂક્યો હતો તે લઇને રાજકોટ જવા માટે હું તેમજ સ્વામીનારાયણ આંગડિયાપેઢીના સોનું પરમાર અને લક્ષ્મીનારાયણ આંગડિયા પેઢીના અલ્પેશ તોમર ટેક્સીમાં બેસીને મુંબઇ રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતાં.
ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેન આવતા તેમાં બેઠા હતા. અમારુ રિઝર્વેશન કન્ફર્મ નહી હોવાથી મારી પાસેની બે બેગ તેમજ મારી સાથેના અન્ય બે કર્મચારીઓની બે બેગ મળી કુલ ચાર બેગો સીટ નીચે મૂકી હું કોચના દરવાજા પાસે બેઠો હતો. બોરીવલી રેલવે સ્ટેશન આવતાં અન્ય પેસેન્જરો ટ્રેનમાં ચડયા હતા. જેથી મેં મારી કાળા રંગની બેગ લઇને હું દરવાજા પાસે જઇને બેઠો હતો જ્યારે લીલા સફેદ લાઇનીંગવાળી બેગ સીટ નીચે મૂકી રાખી હતી. ટ્રેન સુરત રેલવે સ્ટેશન પર આવ્યા બાદ મારી સાથે અમારી આંગડિયા પેઢીનો અન્ય કર્મચારી આકાશ તોમર સુરતથી રાજકોટ જવા મારી સાથે દરવાજા પાસે બેઠો હતો.
વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેન આવી હતી પરંતુ દરવાજો બંધ હોવાથી હું નીચે ઉતર્યો ન હતો કે કોઇ કોચમાં આવ્યું ન હતું. ટ્રેન વડોદરાથી ઉપડયા બાદ અન્ય આંગડિયા પેઢીનો કર્મચારી સોનું મારી પાસે આવ્યો હતો અને સીટ નીચે મૂકેલી લીલા રંગની તારી બેગ જોવા નથી મળતી તેમ જણાવતાં હું તાત્કાલિક જોવા માટે ગયો ત્યારે બેગ મળી નહી. આજુબાજુ શોધખોળ કરવા છતાં બેગ મળી નહી. આ અંગે મેં મારા શેઠને ફોન કરીને જાણ કરતાં તેમણે પોલીસ ફરિયાદ નોધાવવાનું કહ્યું હતું. આ બેગમાં રુપિયા 14 લાખની કિંમતની ચાંદી હતી.