રાજ્યમાં કોરોનાના કેસોમાં નોંધયાત્ર ઘટાડો થઈ રહ્યો છે અને બીજી બાજુ સ્કૂલો પણ ધીરે ધીરે શરૂ થઈ રહી છે. સાથે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ જાહેર થઈ ગઈ છે. તો હવે રાજ્યના ચાર મહાનગરોમાં લગાવવામાં આવેલો રાત્રિ કર્ફ્યૂમાં છૂટછાટ આપવામાં આવે તેવી શક્યતાઓ છે.


રાત્રીના સમયે રાજકીય બેઠકો અને નાના કાર્યક્રમો કરી શકાય તે માટે નિર્ણય લેવાઈ શકે છે. મહાનગરોમાં લાદવામાં આવેલા કર્ફ્યૂ દૂર કરવા અથવા છૂટછાટ આપવા અંગે સરકાર ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં નિર્ણય લઈ શકે છે. તો આ તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માસ્કના દંડની વિપરીત અસરની પણ ચિંતા છે.

નોંધનીય છે કે ગુજરાતમાં હવે કોરોના કેસ ધીરે ધીરે ઘટી રહ્યા છે. ગઈકાલે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં માત્ર 390 કેસ નોંધાયા હતા અને 3 વ્યક્તિના મોત થયા હતા. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.64 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના ઘટી રહેલા કેસના કારણે મોટાભાગની હોસ્પિટલમાં બેડ ખાલી પડ્યા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 707 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જેના કારણે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,50,763 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 4345 એક્ટિવ કેસ છે, જેમાંથી 46 લોકો વેન્ટિલેટર પર અને 4299 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4379 પર પહોંચ્યો છે.