અમદાવાદમાં ઠંડીનો પારો 13.3 ડિગ્રી પર પહોંચ્યો છે તો નલિયા અને વલસાડમાં ઠંડીનો પારો 11 ડિગ્રી પર પહોંચ્યો છે. રાજકોટ અને વડોદરામાં ઠંડીનો પારો 13.6 ડિગ્રી સુધી રહ્યો છે. તો ભાવનગરમાં 14.6, ભૂજમાં 15.3 ડિગ્રી તાપમાન રહ્યું છે.
સુરતમાં ઠંડીનો પારો 17.4 ડિગ્રી સુધી રહ્યો છે. એકંદરે હવે રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનું જોર ઘટી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે પણ આગામી બે-ત્રણ દિવસમાં ઠંડીનો પારો બે-ત્રણ ડિગ્રી ઘટવાની આગાહી વ્યક્ત કરી છે.
બીજી બાજુ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. જમ્મુ-કશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાથી ચારેય તરફ બરફની ચાદર છવાઈ છે. મોટા ભાગના શહેરોમાં માઈનસ પાંચ ડિગ્રીથી પણ નીચે તાપમાન પહોંચી ગયું છે. તો મોટા ભાગના હિલ સ્ટેશનોમાં પણ ઠંડીનો પારો શૂન્યની નીચે નોંધાયો છે.
હિમાચલ, પંજાબ, હરિયાણા અને દિલ્લી-NCRમાં ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પણ નોંધાયો છે. હિમાચલના મનાલી અને શિમલામાં ઘણા દિવસોથી થઈ રહેલી હિમવર્ષાથી બરફના થર જામી ગયા છે. શિમલામાં તો જેસીબીની મદદથી બરફ દુર કરવામાં આવી રહ્યો છે.
જમ્મુ-કશ્મીરના પટની ટોપ પર ભારે હિમવર્ષા થઈ છે. ત્યાર બાદ અહિં પણ એક ઈંચ સુધીનો બરફ જામી ગયો છે. આ ઉંપરાંત શ્રીનગર, ગુલમર્ગ અને પહેલગામમાં પણ ભારે હિમવર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે.