ખંભાળિયા તાલુકામાં ગઈકાલે વરસી ગયેલા વરસાદ બાદ ગતરાત્રીના પણ મુશળધાર પાંચ ઈંચ વરસાદ પડયો હતો. આમ ગતરાત્રિથી આજે સાંજે છ વાગ્યા સુધીમાં કુલ 17 ઈંચ (423 મીમી) વરસાદ વરસી ગયો હતો.
આ સાથે ખંભાળિયા તાલુકામાં મોસમનો કુલ વરસાદ બાવન ઈંચ (1309 મીમી)પડી જતા ચોમાસાના પ્રારંભિક દિવસોમાં ભારે વરસાદથી લોકોમાં અંદરખાને ચિંતા લાગણી પ્રસરી છે.
છેલ્લા ત્રણ દિવસથી અવિરત રીતે ચાલુ રહેલો આ વરસાદ હવે જો બંધ નહીં થાય તો નુકશાની થવાની પણ પૂરી દહેશત સર્જાઈ છે. આ પરિસ્થિતિમાં નગરપાલિકા તંત્ર મામલતદાર તથા સ્ટાફ દ્વારા પણ જુદા જુદા સૃથળોએ રેસ્ક્યુ સહિતની જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ગતરાત્રીથી અવિરત પુન: શરૂ થયેલી આ મેઘ સવારી જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક રીતે વરસી હતી. જેમા ખંભાળિયા તાલુકામાં 299 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે કલ્યાણપુર તાલુકામાં 8 ઈંચ, દ્વારકા તાલુકામાં 4 ઈંચ તથા ભાણવડ તાલુકામાં સાત ઈંચ વરસાદ મંગળવારે સાંજે 7 વાગ્યા સુધીમાં નોંધાયો છે.