પાટણ: પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ડિંડરોળ ગામમાં ૩૫ વર્ષના યુવાન પર અચાનક જ ઝેરી મધમાખીઓના ઝુંડનો હુમલો થતાં તરત જ ૧૦૮ ઇમર્જન્સી સેવા મોકલવામાં આવી. રાજ્યમાં વધુ એકવાર ૧૦૮ એમ્બ્યુલન્સ નાગરિકો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે.  

Continues below advertisement


રોકેટની ગતિએ ચાલતી ૧૦૮ એમ્બુલેંસ અને મક્કમતાપૂર્વક ફરજ નિભાવતા ૧૦૮ ઇમરજન્સી સેવાની સમગ્ર ટીમ ગુજરાતના નાગરિકોનો જીવ બચાવવામાં હરહંમેશ અડીખમ રહી છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ ૨૦૦૭માં રાજ્યમાં સૌ પ્રથમવાર શરૂ કરાયેલી અનન્ય આરોગ્યલક્ષી ૧૦૮ ઇમરજન્સી સેવા આજે અન્ય રાજ્યો માટે પથદર્શક અને આદર્શ મોડલ પૂરવાર થઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના દરેક શહેરો, જિલ્લા, તાલુકા અને છેવાડાના ગામ સુધી આજે ૧૦૮ ઇમરજન્સી સર્વિસ ૨૪x૭ વિનામૂલ્યે સેવા આપી રહી છે, જે રાજ્યના કરોડો નાગરિકો માટે આશિર્વાદ સમાન છે.


૧૦૦ કરતાં વધુ ઝેરી મધમાખીઓએ ડંખ માર્યો હતો


યુવાનના માથાના ભાગે આશરે ૧૦૦ કરતાં વધુ ઝેરી મધમાખીઓએ ડંખ માર્યો હતો, જેના કારણે તીવ્ર અસહ્ય પીડા અને તબિયત લથડી હતી.આ ઘટના બાદ તેમના પરિવારજનો દ્વારા ૧૦૮ ઇમર્જન્સી સર્વિસને કોલ કરવામાં આવ્યો હતો. કોલ મળતા જ છાપી ૧૦૮ EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસની ટીમ, જેમાં ઈએમટી લલિતભાઈ પરમાર અને પાઇલટ ભરતભાઈ પ્રજાપતિ સામેલ હતા, તેઓ તાત્કાલિક એમ્બ્યુલન્સ લઈને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.


તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી


સ્થળ પર પહોંચ્યા બાદ ૧૦૮ ટીમે કાળજીપૂર્વક પીડિતનું નિરીક્ષણ કર્યું. મધમાખીઓનું ઝુંડ હજુ પણ દર્દી નજીક હોવાથી ટીમે પોતાની આગવી સૂઝબૂઝ દાખવતી PPE (સેફ્ટી) કીટ પહેરી, તેમજ એમ્બ્યુલન્સમાં રહેલું સેનેટાઈઝર અને શેમ્પૂનો ઉપયોગ કરીને સ્પ્રે મારફતે મધમાખીઓ દૂર કરી. ત્યારબાદ, ઈએમટી લલિતભાઈ પરમારે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપીને દર્દીને ૧૦૮ના અમદાવાદ હેડક્વાર્ટર સ્થિત ડૉક્ટર સાથે સંપર્ક કરી દવાઓ આપી.


આ પહેલા દર્દીને વધુ નુકસાન ન થાય અને ત્વરિત સારવાર મળી રહે તે માટે, ટીમે તેમને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. 


આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે પોતાની પ્રસંશનીય સમયસૂચકતા અને ચુસ્ત કામગીરી દ્વારા એક દર્દીનો જીવ બચાવ્યો હતો. ઘટનાસ્થળે હાજર ગ્રામજનો અને દર્દીના પરિવારજનોએ ૧૦૮ ટીમની વખણનીય કામગીરી બદલ અભિનંદન વ્યક્ત કર્યા હતા.


અત્રે ઉલ્લેખનીય છે કે, એમ્બ્યુલન્સની સુવિધા વધુ સુદ્રઢ બનાવા માટે રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં રૂ. ૪૮ કરોડના ખર્ચે ૨૦૦ નવી એમ્બ્યુલન્સની જોગવાઈ પણ કરવામાં આવી છે.