રાજકોટ:  રાજકોટ જિલ્લાના જસદણમાં એક ચોંકવાની ઘટના સામે આવી છે. દૂધનો વ્યવસાય કરતા એક વ્યક્તિને  હની ટ્રેપનો શિકાર બનાવવામાં આવ્યો છે.  દૂધ આપવા આધેડને ઘરની અંદર બોલાવી મહિલાએ તેની સામે જ કપડાં ઉતારી નાખ્યા હતા અને બાદમાં મહિલાએ કઢંગી હાલતમાં પતિને બોલાવી લીધો અને  દુષ્કર્મનો કેસ કરવાની ધમકી આપીને આ વ્યક્તિ પાસેથી પૈસા પડાવ્યા હતા. હનીટ્રેપ કરનારા આ  દંપતીએ રૂ.4 લાખની માંગ કરતા આધેડે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


સમગ્ર અહેવાલ મુજબ, જસદણમાં 52 વર્ષના આધેડ દૂધનો વ્યવસાય કરે છે. ગત તારીખ 1 નવેમ્બરના રોજ  તેઓ સવારે 9 વાગ્યે મહિલાએ ફોન કર્યો અને આધેડને 1 લીટર દૂધ આપી જવા કહ્યું હતું. જેના કારણે આધેડ દૂધ લઈને ત્યાં પહોંચ્યા અને બહારથી દૂધ આપી દીધું. જોકે મહિલાએ કહ્યું કે, ઘરમાં આવો તમને તમારા અગાઉના દૂધના પૈસાનો હિસાબ આપવાનો છે. જેના કારણે આધેડ તેના ઘરની અંદર ગયા હતા તેમના ઘરમાં બેસ્યા હતા.  તેઓ કંઈ સમજે તે પહેલા જ મહિલાએ આધેડની સામે જ તમામ કપડા ઉતારવાનું શરૂ કરી દીધું અને આધેડના પેન્ટની ચેન પણ ખોલી નાખી હતી.


પતિ દોડતો-દોડતો ઘરમાં આવી પહોંચ્યો


આ બાદ મહિલાએ કોઈને ફોન કર્યો અને તેનો પતિ દોડતો-દોડતો ઘરમાં આવી પહોંચ્યો હતો. મહિલાનો પતિ ઘરની અંદરના દ્રશ્યો જોઈને જોર જોરથી રાડો પાડવા લાગ્યો અને કહ્યું આ શું કરી રહ્યા છો. આધેડે પોતે કંઈ ન કર્યું હોવાનું કહેતા મહિલના પતિએ કહ્યું, તમે અહીંથી નીકળો હું પછી તમારી સાથે ફોનમાં વાત કરી લઈશ. બાદમાં આધેડને પતિએ ફરી ફોન કર્યો અને કહ્યું કે, અમારે તમારી પર દુષ્કર્મનો કેસ કરવો છે. આ બાદ ફરી સાંજે પતિએ ફોન કરીને રૂપિયા 30 હજારની માંગણી કરી અને આધેડે રૂ.20 હજાર આપવાનું નક્કી કરીને પૈસા આપી દીધા. જે બાદ આરોપીએ કહ્યું કે, હવે મારો ફોન તમને નહીં આવે.


આરોપીએ ફોન કર્યો વધુ પૈસાની માંગ કરી


જોકે આ સમગ્ર ઘટના બન્યાના અંદાજેશ 20 દિવસ બાદ ફરી આરોપીએ ફોન કર્યો વધુ પૈસાની માંગ કરી હતી.  પૈસા ઓછા થાય છે તમારે વધુ  4 લાખ રૂપિયા આપવા પડશે નહીંતર તમારી સામે દુષ્કર્મની ફરિયાદ કરશું. આ ફોન બાદ આધેડે પોતાના પરિવારમાં વાત કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવવાનું નક્કી થયું હતું. બાદમાં પતિ અને પત્ની સામે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસે આરોપી દંપતીની અટકાયત કરી લીધી છે અને રિમાન્ડ મેળવવા વધુ તપાસ હાથ ધરી છે.