Gir Somnath : ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાંથી આજકાલ રહેણાંક વિસ્તારોમાં સિંહોના આટાફેરા વધી ગયા છે. અને આના વિડીયો પણ સામે આવી રહ્યા છે. ત્યારે આવો વધુ એક વિડીયો સામે આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના  ફાટસર ગામે ઘરની છત પર સિંહણ ચડી ગઈ. મકાનના ખોયડાં પર સિંહણ આરામ ફરમાવતી જોવા મળી હતી. 


ફાટસર ગામમાં મોડી રાત્રે સિંહ, સિંહણ અને સિંહ બાળ સહિત 7 જેટલા સિંહો આવી ચડ્યા હતા.જેમાં સિંહણ 15 ફૂટ ઊંચા રહેણાંક મકાનના ખોયડાં  પર ચડી આરામ ફરમાવતી જોવા મળી.મકાનમાં રહેતા મકાન માલિકને નળિયા નો અવાજ આવતા જોવા બહાર નીકળ્યા હતા.અને જોયું તો સિંહણ છાપરે ચડીને આરામ ફરમાવતી હતી.વન વિભાગ ને જાણ થતાં ઘટના સ્થળે પહોચ્યું હતું.જોકે સિંહણે કલાકો સુધી આરામ ફરમાવ્યા બાદ જંગલ તરફ રવાના થઈ હતી. જુઓ આ ઘટનાનો વિડીયો - 




મેંદરડા તાલુકાના કેનેડીપુર ગામમાં બે સિંહોની લટાર
જૂનગાઢ જિલ્લાના મેંદરડા તાલુકાના એક ગામમાં બે સિંહો લટાર મારતા દેખાયા. મેંદરડા તાલુકાના કેનેડીપુર ગામમાં બે સિંહો ગામની શેરીમાંથી નીકળતા દેખાયા હતા. બે સિંહો ગામમાં લટાર મારી રહ્યા હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જો કે ગીર જંગલની આસપાસના ગામોમાં આ પ્રકારના દ્રશ્યો સામાન્ય માનવામાં આવે છે. શિકારની શોધમાં વનરાજ ગામડાઓમાં પ્રવેશે છે અને પશુનું મારણ કરતા હોય છે.


ગીર ગઢડામાં એક સાથે 11 સિંહ દેખાયા હતા 
થોડા દિવસો પહેલા ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં એક સાથે 11 સિંહો રોડ પર લટાર મારતા દેખાયા હતા. આ 11 સિંહોના ટોળામાં સિંહણ અને સિંહબાળ પણ સામેલ હતા.મોડી રાત્રે  એક સાથે 11 સિંહોનું ટોળું  રોડ પર આવતા અમુક સમય માટે વાહનવ્યવહાર થંભી ગયો હતો. આ વિડીયો ક્યાંનો છે એ સ્પષ્ટ થઇ શક્યું ન હતું, પણ કહેવામાં આવી રહ્યું હતું  કે આ વિડીયો ગીર ગઢડાના ખિલાવડ રોડ પરનો છે. એક સાથે 11 સિંહ આવતા ગ્રામજનોમાં ભય ફેલાયો હતો  અને  ગ્રામજનો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી.  આ વિડિઓ  સોશિયલ  મીડિયા પર વાઇરલ થયો હતો. 


ગીરમાં સિંહોની સંખ્યા વધી 
ગુજરાતના ગીર અભયારણ્યમાં છેલ્લા બે વર્ષમાં સિંહોની સંખ્યામાં 10 ટકાનો વધારો થયો છે. હાલમાં અભ્યારણમાં 736 સિંહો હોવાનો અંદાજ છે. બુદ્ધ પૂર્ણિમાના દિવસે સિંહોની ગણતરી કરવામાં આવી હતી. તેના આધારે સિંહોની સંખ્યા વધી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.