ગાંધીનગરઃ ગુજરાત રાજ્યના પોલીસ વડાપદેથી શિવાનંદ ઝા 31 જુલાઈએ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે નવા પોલીસ વડા ની નિમણૂક માટે રાજ્ય સરકાર દ્વારા કવાયત શરૂ કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા ડીજીપી ની નિમણૂક માટે નામોની યાદી તૈયાર કરાઇ છે અને અધધધ કહી શકાય એટલાં 13 નામોની યાદી કેન્દ્ર સરકારને મોકલવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આ યાદી મોકલવામાં આવતાં ડીજીપી શિવાનંદ ઝાને એક્સટેન્શન નહીં મળે એ નક્કી થઈ ગયું છે.

રાજ્ય સરકાર દ્વારા ડીજીપીની પસંદગી માટે 13 નામોની યાદી કેન્દ્રને મોકલવામાં આવી છે અને કેન્દ્ર માંથી લીલી ઝંડી મળ્યા બાદ નામ જાહેર કરવામાં આવશે. હાલના પોલીસ વડા શિવાનંદ ઝા 31 એપ્રિલના રોજ નિવૃત્ત થતા હતા પણ અગાઉ કોવિડની સ્થિતિમાં લોકડાઉનના કારણે શિવાનંદ ઝાને 3 મહિનાનું એક્સટેન્શન અપાયું હતું. હવે ઝા 31 જુલાઈ ના રોજ નિવૃત્ત થશે.
રાજ્ય સરકારનાં સૂત્રોના જમાવ્યા પ્રમાણે, રાજ્યના નવા પોલીસ વડા તરીકેનાં સંભવિત નામોમાં આશિષ ભાટિયા, કેશવ કુમાર, રાકેશ અસ્થાના, એ. કે. શર્મા. ટી એસ બિષ્ટ , સંજય શ્રીવાસ્તવ, અતુલ કરવાલ, વિકાસ સહાયનો સમાવેશ થાય છે.