અમદાવાદઃ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે ખેડા જિલ્લાના પૂર્વ સરપંચે પોતાની પત્ની પર રેપ કર્યો હોવાના આક્ષેપ લગાવતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કરના અહેવાલ પ્રમાણે, ખેડા એસપી કેચેરીએ ફરિયાદ કરવા પહોંચેલા પૂર્વ સરપંચે આક્ષેપ કર્યો છે કે, અર્જુનસિંહ ભાજપ જિલ્લા પ્રમુખ અને ધારાસભ્ય હતા એ સમયે સત્તાનો દુરુપયોગ કરી તેમની પત્ની પર રેપ કર્યો હતો. અરજીમાં દાવો કરાયો છે કે, મંત્રીથી ડરીને તેમની પત્ની ઘર છોડીને જરી રહી છે.
ખેડા જિલ્લા એસપી કચેરીએ અરજી આપ્યા પછી પૂર્વ સરપંચે મીડિયા સાથે વાત કરી હતી તેમજ આ પ્રકારના આક્ષેપો લગાવ્યા હતા, તેવો દિવ્યભાસ્કરના અહેવાલમાં દાવો કરાયો છે. પૂર્વ સરપંચે પોતાનું નામ ન લખવા વિનંતી સાથે પોતાના પરિવાર પર જોખમ હોવાની આશંકા પણ વ્યક્ત કરી હતી. અર્જુનસિંહ અને તેમની પત્ની 2015માં પરિચયમાં આવ્યા હતા. આ પછી અર્જુનસિંહે 2016થી 2021 દરમિયાન પૂર્વ સરપંચની પત્ની સાથે વારંવાર શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ કર્યો હતો.
અરજીમાં આક્ષેપ કરાયો છે કે, મંત્રીએ તેમની પત્નીને તાલુકા પંચાયતમાં સભ્ય બનાવી પોતાના પ્રભાવમાં લાવી દીધી હતી તેમજ આ પછી તેનું શારીરિક શોષણ કર્યું હતું. એટલું જ નહીં, બીજા પાસે પણ શોષણ કરાવ્યું હતું. આ સિવાય કોરાના સમયે પણ પત્નીને મંત્રીએ દોઢ મહિના સુધી ગોંધી રાખી હોવાનો દાવો અહેવાલમાં કરાયો છે. બીજી તરફ પતિના ધ્યાન પર સમગ્ર વાત આવતાં તેમણે પોલીસ ફરિયાદ કરવા દબાણ કર્યું હતું. જોકે, મંત્રીથી ડરી ગયેલી પત્ની બે મહિના પહેલા ઘર છોડી જતી રહી હોવાનો આક્ષેપ પૂર્વ સરપંચે કર્યો છે.
અરજીમાં આક્ષેપ કરાયો છે. પત્નીને મીટિંગોના બહાને મંત્રીએ જુદા-જુદા સ્થળે બોલાવીને તેનું શારીરિક શોષણ કરતા હતા. એટલું જ નહીં, ધમકાવીને અન્ય વગદાર લોકો પાસે પણ મોકલતા હતા અને ત્યાં પણ તેનું શોષણ કરાતું હતું. આ વાત ફેલાઇ જતાં તેઓ સમાજમાં માથું ઉંચું રાખીને ફરી ન શકતા હોવાનો અરજીમાં દાવો કરાયો છે. અરજીમાં એવો પણ દાવો કરાયો છે કે, અર્જુનસિંહે વાત બહાર આવશે તો પરિવારને પૂરો કરી નાંખવાની ધમકી તેમની પત્નીને આપી હતી. આ વાતથી ડરી ગઈ હતી.