બનાસકાંઠા: દાતા તાલુકાના સેબલ પાણી ગામે બનાસકાંઠા અને સાબરકાંઠાના આદિવાસી સમાજના 500 જેટલા આગેવાનોની બેઠક યોજાઇ હતી. સરકારના અલગ અલગ પ્રોજેક્ટ લઈને આદિવાસી સમાજમાં આક્રોશ છે. આ પ્રોજેક્ટોથી આદિવાસી સમાજના લોકોની જમીન જતી રહેવાનો ડર છે અને જેને લઈને આગામી સમયમાં આંદોલન અને સરકાર સામે મોરચો માંડવાની પણ તૈયારીઓ છે.


આદિવાસી સમાજના આગેવાનો લડી લેવાના મૂડમાં


તારંગાથી આબુરોડ રેલવે લાઈન પ્રોજેક્ટ અને અંબાજી આસપાસના સાત કિલોમીટરના વિસ્તારોમાં સરકારના અલગ અલગ પ્રોજેક્ટથી દાતા તાલુકામાં આવેલા આદિવાસી ગામડાઓમાં આદિવાસી લોકોને આ પ્રોજેક્ટથી ખૂબ જ નુકસાનની ભીતી છે અને જેને લઈને આદિવાસી સમાજના આગેવાનો એક ચિંતન બેઠક યોજી હતી. આ બેઠકમાં આદિવાસી સમાજના આગેવાનોએ ભારોભાર સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. સરકારના આ પ્રોજેક્ટોથી આદિવાસી સમાજની જમીન તેમના ઘર જતા રહેવાના ડરથી આગામી સમયમાં આદિવાસી સમાજના આગેવાનો લડી લેવાના મૂડમાં છે.


આદિવાસી સમાજને વિકાસની જરૂર નથી પરંતુ જમીનની જરૂર છે


બેઠકમાં આદિવાસી આગેવાનોએ કહ્યું કે, આદિવાસી સમાજને વિકાસની જરૂર નથી પરંતુ જમીનની જરૂર છે અને જો આદિવાસી લોકો પાસે જમીન હશે તો એ પોતાનું ગુજરાન ચલાવી લેશે. જો સરકાર એક વખત જંગલમાંથી આદિવાસી લોકોને કાઢી મુકશે તો આદિવાસી લોકો શહેરો ઉજ્જડ બનાવી દેશે તેવી પણ ચીમકી પણ ઉચ્ચારી છે. ત્યારે એક માસ અગાઉ દાતા તાલુકાના બેડા પાણી ગામે વન વિભાગ દ્વારા આદિવાસી લોકોના 19 મકાનો તોડી પાડ્યા હતા અને જેને લઈને અગાઉ પણ ભારોભાર રોષ હતો ત્યારેએ મકાનો હજુ બનાવી નથી આપ્યા.  


આગામી સમયમાં હજારો આદિવાસીઓની બેઠકો થશે


ફોરેસ્ટ અને પોલીસ વિભાગ આ આદિવાસી લોકોને અલગ અલગ પ્રકારે હેરાનગતિ કરે છે ત્યારે આજની બેઠકમાં આદિવાસી સમાજના આગેવાનોએ એક સૂર વ્યક્ત કર્યો હતો. આદિવાસી પોતાની જમીન કોઈપણ કાળે સરકારને સોંપશે નહીં અને આક્રમક આંદોલનોના માર્ગે જવું પડશે તો પણ જશે. જો કે આગામી સમયમાં હજારો આદિવાસીઓની બેઠકો થશે અને જંગલ અને જમીન આદિવાસી પાસેથી જતી બચાવવા માટે આક્રમક રણનીતિઓ પણ તૈયાર થશે. આમ ગુજરાતમાં વધુ એક આંદોલનનાં મંડાણ થાય તો નવાઈ નહીં. આ પહેલા પણ આદિવાસીઓ પોતાની માગને લઈને સરકાર પર પોતાની વ્યથા ઠાલવી ચૂક્યા છે.