પંચમહાલ: માનવી અને પશુ,પક્ષી અને પ્રાણીઓની મિત્રતા હજારો વર્ષો જૂની છે. એવાં ઘણા કિસ્સા સામે આવી ચૂક્યા છે જેમાં  પ્રાણીઓએ પોતાના માલિકનો જીવ બચાવ્યો હોય અથવા તો તેમના અંતિમશ્વાસ સુધી સાથે રહ્યા હોય. કારણ કે, પ્રેમની કોઈ ભાષા નથી હોતી. આ મુંગા જીવ ભલે બોલી ન શકે પરંતુ પોતાના વર્તન થકી ઘણુ બધુ કહી જાય છે.


પોપટે મિત્ર સાથે અંતિમ ફેરા ફર્યાનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો


આજે અમે જે ઘટના વિશે વાત કરવાના છીએ તેને જાણીને તમારી આંખ પણ ભીની થઈ જશે. પક્ષી અને માનવ વચ્ચેના લાગણીસભર સંબંધોનો અનોખો કિસ્સો પંચમહાલમાંથી સામે આવ્યો છે. અહીં મિત્રની અંતિમયાત્રામાં નનામી સાથે જ રહેલા પોપટે મિત્ર સાથે અંતિમ ફેરા ફર્યાનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે.


 






આ અંગે વિગતે વાત કરીએ તો, ઘોઘંબાના ધનેશ્વરના મુવાડી ગામે આ લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીં નરેશ પરમાર નામના યુવાનનું મૃત્યુ થતા તેમની અંતિમયાત્રામાં આંખમાં આંસુ સાથે મિત્ર પોપટ પણ જોડાયો હતો. ડાધુઓએ પોપટને ભગાડવાનો પ્રયત્ન કર્યો છતાં મિત્રની ચિતા શાંત પડ્યા સુધી પોપટ સ્મશાનમાં જ રહ્યો હતો. મૃતક નરેશ પરમારનું માત્ર 17 વર્ષ વયે આકસ્મિક મૃત્યુ થતા ગઈકાલે તેમની અંતિમ યાત્રા યોજાઈ હતી.


પોપટે અંતિમઘડી સુધી મિત્રતા નિભાવી


નરેશ પોતે દરરોજ પોતાના પિતા સાથે મંદિરે જતો જ્યાં મંદિર બહાર પક્ષી ને દાણા નાખી પાણી પીવડાવતા હતા. દરરોજ નિત્યક્રમ હોઈ મંદિરે ચણ ખાવા આવતા પક્ષીઓ અને ખાસ પોપટ સાથે ખૂબ જ આત્મીયતાનો સંબંધ કેળવાયો હતો. અબોલ પોપટે અંતિમઘડી સુધી મિત્રતા નિભાવી હતી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. લોકો પોપટની આ મિત્રતાના ખુબ વખાણ કરી રહ્યા છે. અબોલ જીવમાં કેટલો પ્રેમ હોય છે તેનું આ ઉદાહરણ છે. લોકો આ વીડિયોને ખુબ શેર કરી રહ્યા છે. આ સાથે મોટી માત્રામાં કોમેન્ટ પણ કરી રહ્યા છે. તો બીજી તરફ નાની ઉંમરમાં યુવકના મોતને લઈને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.