Gujarat Election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ ગમે તે ઘડીએ જાહેર થાય તેમ છે ત્યારે તમામ પક્ષો પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે જે અંતર્ગત આજે સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા એક જાહેર સભાનું આયોજન કરાયું હતું જેમાં અશોક ગહેલોતે ભાજપ સહિત આમ આદમી પાર્ટીને આડે હાથ લેતા આગામી સમયમાં કોંગ્રેસની સરકાર બનશે તે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


 



 અશોક ગેહલોતે વધુમાં કહ્યું કે, અહીંના ધારાસભ્યને તમે ત્રણ વખત જીતાડ્યા છે. શાહ અને મોદીએ ખતરનાક મોડલ બનાવ્યું છે. ગરીબથી ગરીબ વ્યક્તિને માનસન્માનની જરૂર છે. નેતાઓએ વોટ માંગવા જવું પડે છે. બીજેપી ધારાસભ્યને ખરીદે છે. જેમ બકરા ખરીદાય તેમ નેતાને ખરીદે છે. મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ખરીદી કરી છે. એક એક ધારાસભ્ય ને 30થી 35 કરોડ આપીને ખરીદી કરે છે. રાહુલ ગાંધીએ આપેલા વચનો અમે પૂર્ણ કરીશું. ટોટલ ખર્ચ આરોગ્ય 10 લાખથી વધુ હશે તો પણ ફ્રી કરીશું. શાનદાર સ્કીમ લાગુ કરી છે.


 




ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થનારી છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે ખેડબ્રહ્માના આગિયા ગામ નજીક એક જાહેર સભાનું આયોજન કર્યું હતું. જ્યાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત સહિત રઘુ શર્મા સહિત ગુજરાતના પ્રદેશ કક્ષાના આગેવાનો હાજર રહ્યા હતા. આ તબક્કે બોલતા ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસના અગ્રણી નેતાઓએ ભાજપ ઉપર આકરા પ્રહાર કરી આગામી સમયમાં કોંગ્રેસની જીત માટે સૌ કોઈને હાકલ કરી હતી.


 



રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલો તે જણાવ્યું હતું કે ભાજપ અને આમ આદમી પાર્ટી અત્યારથી જ દબાણમાં આવી ગઈ છે એટલે જ નવા નવા હથકંડા અપનાવે છે. આમ આજની પાર્ટીનું કોઈ વજુદ નથી અને ભાજપ ચૂંટણી નજીક છે ત્યારે સમાન સિવિલ કોડની વાત કરે છે. જોકે આ દેશમાં પત્રકાર, સાહિત્યકાર જેવા બુદ્ધિશાળી લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવાય છે જે ભારતના સંવિધાન માટે ખતરા રૂપ છે અને એમાં અવાજ ઉઠાવો જરૂરી છે.


સાથોસાથ આગામી સમયમાં માનગઢની રાષ્ટ્રીય સ્થળ જાહેર કરવાની પણ માગ કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપ અને આમ આદમી પાર્ટીની સ્થિતિ અત્યંત ખરાબ છે ત્યારે ગત ટર્મમાં ખૂબ સારું પ્રદર્શન કર્યા બાદ આ વખતે કોંગ્રેસ સ્પષ્ટતા સાથે બહુમત બોલાવશે તે નક્કી છે.  જોકે તાજેતરમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ સાથે થયેલી મુલાકાતમાં આપણે તેમને જણાવ્યું હતું કે જય નારાયણ વ્યાસે રાજસ્થાન સરકારની પાણી વિતરણ વ્યવસ્થાની પ્રશંસા કરી છે અને એ અંતર્ગત જ એમની સાથે મુલાકાત થઈ હતી. જોકે કોંગ્રેસમાં જોડાવાના મામલે તેમને વાત ફેરવી હતી.