Banaskantha Rain: બે દિવસથી બનાસકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. ખેતરો તળાવમાં ફેરવાયા છે તો નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. ભારે વરસાદ અને પવનના કારણે ભારે નુકશાન થયું છે. તો બીજી તરફ આજે ધાનેરાના બાપલાથી કુંડી જતો રોડ ધોવાઈ ગયો છે. ભારે પાણીની આવકના કારણે રોડ તૂટી ગયો હતો. તમને જણાવી દઈએ કે, 10થી વધારે ગામડાંઓને જોડતો રોડ તૂટતા વાહન વહેવાર ઠપ થઈ ગયો છે. મોડી રાતે તોફાની વરસાદ બાદ રોડ રસ્તા તૂટ્યા છે. અનેક ગામડાંઓમાં અવરજવર કરવી મુશ્કેલ બની છે.


 



વરસાદથી જડિયા ગામના હાલ બેહાલ


ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદથી પાટણ અને બનાસકાંઠામા ભારે તબાહી સર્જાઇ છે. બનાસકાંઠાના હાલ બેહાલ થયા છે. અહીં ધાનેરા તાલુકામાં એક ગામમાં પાણીની સ્તર સતત વધતાં ઘરોમાં પાણી ઘૂસી ગયુ છે અને પશુઓના પણ મોત થયાના સમાચાર સામે આવ્યા છે.


બનાસકાંઠામાં વરસાદે તારાજી નોંતરી છે, અહીં ધાનેરાના જડિયા ગામના હાલ વરસાદથી બેહાલ થયા છે. બિપરજૉય વાવાઝોડાના લેન્ડફૉલ બાદ ગુજરાતની સાથે સાથે રાજસ્થાનમાં પણ ભારે વરસાદ પડ્યો છે, અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદનું વહેણ સીધુ બનાસકાંઠાના ગામડામાં ઘૂસી રહ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં તેના વહેણના પાણી જડિયા ગામમાં ઘૂસ્યા છે, આ કારણે જડિયા ગામમાં અનેક ઘરો, તબેલા, સ્કૂલો અને હૉસ્પીટલોમાં પાણી ઘૂસ્યા છે અને મોટુ નુકસાન પહોંચ્યુ છે. એટલુ જ નહીં પાણીના કારણે ગામના 15થી વધુ પશુઓના મોત પણ થયા છે. હાલમાં અહીં ગૌશાળાની તમામ દિવલો તુટી ગઇ છે અને ગૌશાળમાં પણી ઘૂસી ગયુ છે.


શનિવારે બનાસકાંઠાના આ 14 ગામો બન્યા પાણી-પાણી


વાવાઝોડા બાદ વરસાદી સમગ્ર ઉત્તર ગુજરાતમાં કાળો કેર વર્તાવ્યો છે, ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસ કાળ સમાન રહ્યાં છે, જેમાં બનાસકાંઠા અને પાટણમાં સૌથી વધુ વરસાદ પડ્યો અને ઠેક ઠેકાંણે માલહાનિના દ્રશ્યો જોવા મળ્યા હતા. હવામાન વિભાગ અનુસાર, શનિવારનો દિવસે બનાસકાંઠા માટે કાળ સમાન રહ્યો છે, ગઇકાલે વરસેલા વરસાદે બનાસકાંઠા જિલ્લાને ઘમરોળી નાંખ્યો છે અને મોટુ નુકસાન પહોંચાડ્યુ છે, જાણો અહીં કયા કયા ગામોમાં સૌથી વધુ વરસાદ પડ્યો. બિપરજૉય બાદ આવેલી વરસાદી આફતે બનાસકાંઠાના મોટાભાગના ગામોને મોટુ નુકસાન પહોંચાડ્યુ છે. અત્યારે સામે આવેલા આંકડા અનુસાર, જિલ્લમાં 14 ગામોમાં વધુ વરસાદ ખાબક્યો છે અને નુકસાન પણ પહોંચ્યુ છે.