પાલનપુર:  ઢેલાણા ગામની પ્રાથમિક શાળામાં બાળકો માટે બચત બેંક ખોલવામાં આવી છે. શાળામાં ધોરણ 1થી 8ના 250થી વધુ બાળકો એકથી 10 20 રૂપિયા જમા કરાવી બચત કરાવી રહ્યા છે. જે પૈસા બાળકોને જરૂરિયાત હોય ત્યારે પરત આપવામાં આવે છે. એક અનોખી પહેલને લઈને બાળકોમાં ભણતરની સાથે બેન્કિંગના ગુણ આવે તે માટેનો પ્રયાસ હાથ ધરાયો છે.


બાળકોમાં નાણા બચતનો ગુણ કેળવાય તેવા ઉમદા અશયથી પાલનપુરની  ઢેલાણા અનુપમ પ્રાથમિક શાળામાં બાળકો માટે બચત બેંક ખોલવામાં આવી છે. જેમાં શાળાના એકથી આઠ ધોરણના 250 થી વધુ બાળકો એકથી 10-20 રૂપિયા જમા કરાવી રહ્યા છે. પ્રાથમિક શાળામાં રિસેસ દરમિયાન શાળામાં શરૂ કરાયેલ અનોખી બચત બેંકમાં નાણાં જમા કરાવવા બાળકોની લાંબી લાઈનો લાગે છે. શાળામાં ધોરણ 1થી 8ના 250 જેટલા બાળકો જે અભ્યાસ કરી રહ્યા છે તે તમામ બાળકો માટે શરૂ કરાયેલા બચત બેંકમાં બાળકો પોતાની રોજની પોકેટ મનીના લાવેલા પાંચ રૂપિયા દસ રૂપિયા 20 રૂપિયા જમા કરાવે છે જેના માટે તેમને એક ટોકન પણ અપાય છે.




આ બધા જ બાળકો રિસેસમાં આ બચત બેંક ખોલવામાં આવે ત્યારે પૈસા હાથમાં લઈને લાઈનમાં લાગી જાય છે. બેંકમાં દરરોજ આવતા રૂપિયાનો હિસાબ લખવા માટે ખાસ બેન્કિંગ સિસ્ટમ ઊભી કરાઈ છે. જેનો વહીવટ પણ શાળાનe વિદ્યાર્થીનીઓ જ કરે છે. બાળકો જે રૂપિયા જમા કરાયેલા હોય તેને દર મહિને બેંકમાં પણ મૂકવામાં આવે છે. જે માટે બેંકમાં દરેક બાળકનું ખાતું ખોલાવાયું છે. બાળકોને જ્યારે પણ પોતાની આ બચત બેંકમાં રૂપિયા ઉપાડવાની જરૂર હોય ત્યારે તેમના નાણામાંથી જ વ્યાજ સાથેની રકમ પરત અપાય છે. બાળકોમાં ભણતર સાથેની બેન્કિંગના ગુણ વિકસે તે માટે જે બાળકો શાળાની આ બચત બેંકનો વહીવટ સંભાળે છે તેમને દર મહિને એક ટોકનરૂપી રકમ પગાર પેટે પણ અપાય છે.


શાળામાં બચત બેંક પર શિક્ષક ભીખાભાઈનું કહેવું છે કે, શાળામાં બાળકોએ જમાં કરાવેલ નાણાં તેમના શૈક્ષણિક સાધનો લાવવા અથવા પ્રવાસ જેવા મોટા ખર્ચામાં ખૂબ જ કામ લાગે છે. શાળામાં બાળકો પોતે જ એક બેન્કિંગ સિસ્ટમની જેમ સઘળો વહીવટ કરતા હોવાથી બાળકોમાં બિઝનેસ અને બેન્કિંગના ગુણ પણ આવવા લાગ્યા છે. પહેલા બાળકો જે પૈસા હતા તે અન્ય નાસ્તાઓમાં દુકાનોમાં જઈને વાપરી નાખતા હતા પરંતુ આ બેંક શરૂ કરવાના કારણે બાળકો હવે ખોટા ખર્ચા કરતા નથી અને તેમના પોકેટ મનીમાં જે  ઘરેથી પૈસા મળે છે તે પૈસા સ્કૂલમાં લઈને આવે છે અને સ્કૂલમાં આવીને આ રિસેસ દરમિયાન જે બેંક ખોલવામાં આવે છે ત્યારે તમામ બાળકો પૈસા જમા કરાવે છે. જેના કારણે બાળકોના પૈસામાં મોટી બચત થાય છે. સૌથી વધુ પૈસા જમા કરાવે તેવા ત્રણ બાળકોને ઈનામ રૂપે પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેમજ જે બાળકોને જરૂરિયાત પેન્સિલ, નોટબુક, રબર સહિતના જે વસ્તુઓ લેવાની હોય તે પણ સ્કૂલમાંથી એ જ પૈસામાંથી મળી રહે છે એટલે બાળકોને પૈસાની બચત પણ થાય છે અને તમામ સુવિધાઓ પણ મળી રહે છે.