આજથી બે દિવસ દરમિયાન રાજયમાં ગાંધીનગર અને રાજકોટમાં વેક્સિનેશનનો ડ્રાય રન હાથ ધરવામાં આવશે. કેંદ્ર સરકારે વેક્સિનેશનના ડ્રાય રન માટે જે ચાર રાજયોની પસંદગી કરી છે તેમાં ગુજરાતનો સમાવેશ કર્યો છે. ગુજરાતમાં ગાંધીનગર અને રાજકોટ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે.


બે દિવસ દરમિયાન વેક્સિનેશન માટે તૈયાર કરાયેલી સમગ્ર ચેઈનનો પ્રિટેસ્ટ કરવામાં આવશે. ડ્રાય રન કુલ બે તબક્કામાં હાથ ધરાશે. મોકડ્રિલ દરમિયાન એક સેન્ટર પર કુલ 25 લોકોને વેક્સિનેશન માટે ડ્રાય રન થશે. ગાંધીનગર જિલ્લામાં 9 અને રાજકોટ જિલ્લામાં 10 સેન્ટરની પસંદગી કરવામા આવી છે.

નોંધનીય છે કે, દેશમાં કોરોના વાયરસની રસીને ખૂબ જલ્દી મંજૂરી આપવામાં આવી શકે છે ત્યારે દેશના દરેક નાગરિકો સુધી આ રસી પહોંચાડવી એ એક પડકારજનક કામ છે ત્યારે તે પહેલા સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાણકારી આપવામાં આવી છે તે અનુસાર આ રિહર્સલમાં ઓનલાઈન ડેટા એન્ટ્રી, કેન્દ્રો પર લાભાર્થીઓનો પૂર્વાભ્યાસ કરવાના આવશે તથા કેટલા લોકોની જરૂર પડે છે તેની પણ સમીક્ષા કરવામાં આવશે. આ પહેલા મિશનથી જોડાયેલા લોકોની એક બેઠક પણ કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા જાણકારી આપવામાં આવી છે કે બધા જ ચાર રાજ્યોમાં રિહર્સલની બધી જ તૈયારીઑ કરી લેવામાં આવી છે અને વેક્સિન માટે પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યું છે. આ રિહર્સલમાં રેફ્રીજરેશન સ્ટોર, વેક્સિન ટ્રાન્સપોર્ટેશન, ભીડની વ્યવસ્થા અને પ્રક્રિયામાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે બધી વ્યવસ્થા કરવામાં આવશે.

મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા એ તમામ લોકોને ટ્રેનિંગ આપી દેવાઈ છે જે લોકો રસીકરણનું સમગ્ર મેનેજમેન્ટ સંભાળશે. આ દરમિયાન કો-વિન આઈટી પ્લેટફોર્મના ઉપયોગ, કોલ્ડ ચેનની તૈયારી, કોમ્યુનિકેશન અને કો-ઓર્ડિનેશન, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ તથા ઈન્ફેક્શન પ્રિવેન્શન પ્રોટોકોલ સહિતની તાલિમ આપવામાં આવી છે. તેના માટે વેક્સિન હેન્ડલર અને એડમિનિસ્ટ્રેટરની કેટેગરી બનાવીને સમગ્ર ટ્રેનિંગ મોડયૂલ ડેવલપ કરવામાં આવ્યું હતું. આ મોડયૂલમાં મેડિકલ ઓફિસર, વેક્સિનેટર, ઓલ્ટરનેટિવ વેક્સિનેટર, કોલ્ડ ચેન હેન્ડલર, સુપરવાઈઝર, ડેટા મેનેજર, આશા કોઓર્ડિનેટર સહિતના તમામ લોકોને સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ડ્રાય દરમિયાન કોઈને રસી આપવામાં આવશે નહીં માત્ર પહેલા સ્તરથી સામાન્ય નાગરિક સુધીના માળખાની યોજના ચકાસવામાં આવશે.