પોરબંદર: બખરલા ગામે બે માસની બાળકીને ડામ દેવાનો મામલો સામે આવ્યો છે. બાળકીને ઊંટવૈદ ઉપચાર કરનારે ઉપચારના નામે ડામ આપ્યા હતા. ડામ આપનાર કહેવાતા ઊંટવૈદ અને બાળકીની માતા સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે કથિત ઊંટવૈદુ કરનારને હસ્તગત કરી આઈ.પી.સી કલમ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી કરી છે. બાળકીની માતા સામે કાર્યવાહી કરવા ગ્રામ્ય ડી.વાય.એસ.પી દ્રારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. પોલીસે પોતાની બાળકી જીવ જોખમમાં મુકનાર માતા સામે ફરિયાદ નોંધી છે. સમગ્ર મામલે જિલ્લામાં બાળકીને ડામ દેવા બાબતે ચર્ચાનો વિષય બન્યો છે.
રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ
રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. અસામાજિક તત્વો પોલીસ પર હુમલો કરવા કે પોલીસ સાથે ઘર્ષણ કરતા હોય તો સામાન્ય લોકોની શું સ્થિતિ થતી હશે તેને લઈને સવાલો ઊભા થયા છે. શહેરના સ્વામિનારાયણ ચોકમાં જાહેરમાં અમુક તત્વો પોતાના જન્મદિવસની ઉજવણી કરતા હતા ત્યારે પોલીસે રોકવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં નવ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાંથી બે મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે.
રાવણ લખેલી બ્લેક ફિલ્મ વાળી કાર રાજકોટના સ્વામી નારાયણ ચોકના હિસ્ટ્રીશિટરોની છે. જેનો માલિક રોકી ઉર્ફે વિશાલ જોશી છે. શનિવારના રોજ વિશાલ જોશીનો જન્મદિવસ હતો, ત્યારે સ્વામિનારાયણ ચોકમાં આઠથી નવ શખ્સો દ્વારા રોડ પર કાર રાખીને જન્મદિવસની ઉજવણી કરતા હતા ત્યારે માલવીયા નગર પોલીસને જાણ થઈ ત્યારે પોલીસ અહીં પહોંચીને આ શખ્સોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ શખ્શોએ પોલીસ સાથે ખરાબ વર્તન કરી અને પોલીસ સાથે જપાજપી કરી હતી.
ઉલ્લેખનિય છે કે આમ જનતાને તકલીફ ન પડે એટલા માટે પોલીસ દ્વારા જાહેરનામાઓ બહાર પાડવામાં આવતા હોય છે. જોકે કેટલાક શખ્સો માટે જાહેરનામાનો ઉલાળીયો કરવો તે જ તેમનો શોખ હોય છે .આવા તત્વો સમાજમાં પોતાનો રોફ જમાવવા માટે અવારનવાર જાહેરનામાનો ભંગ કરતા હોય છે. રાજકોટ પોલીસ અધિકારીઓ દ્વારા બે મહિલા સહિત કુલ 9 શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે. જોકે રોકી ઉર્ફે વિશાલ જોષી અને તેનો ભાઈ ફરાર થઈ ગયા છે.
રાજકોટ સ્વામિનારાયણ ચોક ખાતે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા યુવાનોની સાથે પોલીસને ઘર્ષણ થયું હતું. આ અંગે રાજકોટ એસીપીએ જણાવ્યું હતું કે, વિશાલ જોશી નામના જન્મદિવસ હતો. તેઓ જાહેરમાં નિયમોનો ઉલાળીયો કરી જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હતો. આ ગુનામાં બે મહિલા આરોપીની પણ પોલીસે અટકાયત કરી છે. મીતાબેન જોશી અને નયનાબેન જોશી નામની બે મહિલા આરોપીની પણ પોલીસે અટકાયત કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે જ્યારે માલવીયા પોલીસ સ્ટાફ આરોપીને ઝડપવાના પ્રયાસો હતા એ સમયે આ બે મહિલા આરોપીઓ વચ્ચે પડી હતી અને આરોપીને ભગાડવામાં મદદ કરી હતી.