પીએસઆઈ ડામોરે પહેલી પત્નીને માર મારતાં હોબાળો મચી ગયો હતો. આ અંગે ડામોરની પહેલી પત્નીએ પતિ તથા બીજી પત્નીની માતા સામે દાહોદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
લીમડી પોલીસ મથકમાં ફરજ બજાવતાં પીએસઆઈ રણજીતસિંહ દેવચંદભાઈ ડામોરના લગ્ન ચૌદ વર્ષ અગાઉ કરૂણાબેન સાથે થયા હતા. આ દંપતીને સંતાનમાં એક પુત્રી છે. 16 નવેમ્બરે રોજ કરૂણાબેન તથા તેમની પુત્રી દાહોદ બજારમાં કોઈ કામ માટે આવ્યા હતા. પુત્રીએ પિતા રણજીતસિંહ ડામોરને કારમાં જતા જોઈને તેમનો પીછો કર્યો હતો. રણજીતસિંહ ડામોરે પોતાની કાર દાહોદમાં આવેલ વુમન પડવાલ હોસ્પિટલના પટાંગણમાં ઉભી રાખતાં તેઓ હોસ્પિટલમાં પાછળ પાછળ ગયા હતા
હોસ્પિટલમાં અંદર જતાં કરૂણાબેન અને તેમની પુત્રીને ખબર પડી કે, પી.એસ.આઈ. રણજીતસિંહ ડામોર પોતાની બીજી પત્ની કાજલબેનને આ હોસ્પિટલમાં પ્રસુતિ માટે લાવ્યા છે. આ વાત સાંભળી બંને સ્તબ્ધ થઈ ગયાં હતાં. આ અંગે માતા-પુત્રી રણજીતસિંહ ડામોર પાસે જતાં રણજીતસિંહ ડામોર અને બીજી પત્નીની માતા જુનાબેન કરણસિંહ મોહનીયા (રહે. દેલસર) એ કરૂણાબેન અને તેમની પુત્રી સાથે ઝપાઝપી ઉપર ઉતરી મારઝુડ પણ કરી હતી. પડવાલ વુમન હોસ્પિટલના હાજર સ્ટાફે તેમને છોડવવા વચ્ચે પડયા હતા.
આ મુદ્દે કરૂણાબેને દાહોદ તાલુકા પોલીસ મથકે પોતાના પતિ રણજીતસિંહ ડામોર અને બીજી પત્નીની માતા જુનાબેન કરણસિંહ મોહનીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.