અમદાવાદઃ ગુજરાતમાં તહેવાલ બાદ ફરી કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના 1495 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 318, સુરત શહેરમા 213,વડોદરા શહેરમાં 127, રાજકોટ શહેરમાં 91, જામનગર શહેરમાં 25, ભાવનગર શહેરમાં 20, જૂનાગઢ શહેરમાં 12 અને ગાંધીનગર શહેરમાં 57 નવા કેસ નોંધાયા છે.

તો છેલ્લા 24 કલાક દરમિયાન રાજયમાં વધુ 13 દર્દીના મૃત્યુ નિપજ્યા છે. રાજયમાં હવે કુલ મૃત્યુઆંક વધીને 3 હજાર 859 પર પહોંચી ચૂક્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજયમાં 1 હજાર 167 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આજે રાજયમાં કુલ 63 હજાર 739 ટેસ્ટ થયા છે. રાજયમાં હાલ 13 હજાર 600 એક્ટિવ કેસ છે. જેમાં 13 હજાર 507 દર્દીઓની હાલત સ્થિર છે તો 93 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

નોંધનીય છે કે, અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં વધુ 318 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે નવા નોંધાતા દર્દીઓની સાથે મૃત્યુઆંક પણ વધતો જઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં આઠ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા છે.

ખાનગી હોસ્પિટલોમાં 181 દર્દીઓ વેંટીલેટર પર છે. જ્યારે નિકોલની કોવિડ સેંટરમાં 65 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અમદાવાદ શહેરના 30 કોરોના દર્દીઓને ખેડા ખસેડવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં બીજા દિવસે વધુ 94 દર્દીઓને સારવાર માટે દાખલ કરાયા છે. એમ બે દિવસમાં અમદાવાદ સિવિલમાં 200 કોરોનાના દર્દીઓ દાખલ કરાતા દર્દીઓની સંખ્યા 700 પર પહોંચી ગઈ છે.