દાહોદ: ધાનપુર તાલુકાના સરકારી દવાખાનામાં સાપ્તાહિક કુટુંબ નિયોજનના કેમ્પમાં ઓપરેશન માટે આવેલી મહિલાનું દવાખાનાના પરિસારમાંથી જ એક માસનું શિશુ ચોરી થતા ખળભળાટ મચી ગઈ છે. દાહોદ જિલ્લાના ધાનપુરમાં આવેલા સરકારી દવાખાનામાં દર શનિવારે મહિલાઓના કુટુંબ નિયોજનના ઓપરેશન કરવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત 21મી તારીખે પણ રાખેલા કેમ્પમાં કુટુંબ નિયોજનના ઓપરેશન માટેના કેમ્પમાં અલગ અલગ પીએચસી સેન્ટરના અલગ-અલગ ગામોમાંથી આશા વર્કર તેમજ આરોગ્ય કર્મચારીઓના સહયોગથી મહીલાઓને ઑપરેશન માટે લાવવામાં આવી હતી. કેમ્પમાં ઓપરેશન માટે લવાતી મહિલાઓ સાથે કુટુંબીઓ પણ આવતાં હોય છે. જોકે, કેટલીક મહિલાઓ પોતાના નાના શિશુઓ સાથે આવતી હોય છે. દવાખાનામાં શિશુઓના સંભાળ માટેની કોઇ અલાયદી જગ્યા નથી જેથી આ શિશુઓ સ્વાભાવિક રીતે પજવતાં હોવાથી તેમને સુવડાવી દેવા કે શાંત રાખવા માટે દવાખાનાના પરિસરમાં જ બાજુના ગેટ પાસે દોરીઓ બાંધીને સાડી કે અન્ય કાપડ વડે ઝુલા બાંધવામાં આવતાં હોય છે. 


શિશુને રમાડવાનો ડોળ કરીને બંને ભાઇઓને વિશ્વાશમાં લીધા


21મી શનિવારે આ કેમ્પમાં ધાનપુર તાલુકાના સુરપુર ગામની રેખાબેન શૈલેષભાઇ તાહેડ પણ પોતાના એક માસના શિશુને લઇને કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવા માટે આવી હતી. આ શિશુને સાચવવા માટે તે પોતાના 7 અને 12 વર્ષના પૂત્રોને સાથે લાવી હતી. પરિસરમાં ઓઢવાની શાલથી ઝુલો બનાવીને તેમાં શિશુને તેમાં સુવડાવી રેખાબેન ઓપરેશન કરાવવા માટે ગઇ હતી. ત્યારે આ રડતાં નાના ભાઇને શાંત કરવા બંને ભાઇઓ હિંચકો નાખતા હોઇ બપોરના ત્રણ વાગ્યાના અરસામાં એક બુકાનીધારી મહિલા તેમની પાસે આવી હતી. શિશુને રમાડવાનો ડોળ કરીને બંને ભાઇઓને વિશ્વાશમાં લીધા હતાં. ત્યાર બાદ 20 રૂપિયા આપીને બંને ભાઇઓને પારલે જી બિસ્કીટ લેવા માટે મોકલી દીધા હતાં. 


મહિલા શિશુની ચોરી કરીને ફરાર થઇ ગઇ 


આ તકનો લાભ લઇને અજાણી મહિલા શિશુની ચોરી કરીને ફરાર થઇ ગઇ હતી. પરત આવેલા બંને ભાઇઓએ ખાલી ઝુલો જોઇને રેખાબેને આમતેમ શોધખોળ સાથે આસપાસના લોકોને પુછપરછ પણ કરી હતી પરંતુ કોઇ પત્તો મળ્યો ન હતો. દવાખાનામાં જઇને ભાઇ ગુમ હોવાની પોતાની માતાને જાણ કરતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. શિશુ ચોરાયાની ઘટનાની જાણ થતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના પગલે અંતે પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. પોલીસ અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા આ અજાણી મહિલાની શોધખોળ આદરી હતી પરંતુ તેનો કોઇ જ પત્તો મળ્યો નહતો. અંતે પોલીસે આરોગ્ય કર્મચારીઓ અને રેખાબેનના સબંધિઓને સાથે રાખીને શિશુની શોધખોળમાં નીકળી છે.  ઘટના પગલે ઉચ્ચ અધિકારીઓ રાત્રે ધાનપુર ધસી ગયા હતાં. જોકે હાલ પણ બાળક નો કોઈ અતોપતો લાગ્યો નથી.