અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહેલાં કોરોનાના કેસ બાદ સોમવારે કોરોનાનો રાફડો ફાટ્યો હતો. 24 ડિસેમ્બર બાદ અમદાવાદમાં પહેલી વખત કોરોનાના નવા 205 કેસ એક જ દિવસમાં નોંધાયા છે. 


આ સાથે શહેરના સાઉથ બોપલ, નવરંગપુરા, ચાંદખેડા અને ગોતા વોર્ડના એમ કુલ ચાર નવા સંક્રમિત સ્થળને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને માઈક્રો કંટેઈનમેંટ ઝોનમાં મૂક્યા છે. શહેરમાં હાલની પરિસ્થિતિમાં કુલ 48 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.


શહેરમાં હાલમાં કોરોનાના કુલ 530 એકિટવ કેસ હોવાનું મ્યુનિસિપલ પ્રશાસને સત્તાવાર રીતે જાહેર કર્યું છે. સાઉથ બોપલ વિસ્તારમાં આવેલા ગાલા એરીયાના 16 મકાનમાં રહેતા 33 લોકો, ચાંદખેડા વોર્ડમાં આવેલા દેવ પ્રાઈમ ફલેટના 32 મકાનમાં રહેતા 128 લોકો, નવરંગપુરા વોર્ડમાં આવેલી સ્વસ્તીક સોસાયટીના બે મકાનમાં રહેતા બાર લોકો અને ગોતા વોર્ડમાં આવેલાં 42 પાર્ક વ્યૂ એપાર્ટમેન્ટમાં 12 મકાનમાં રહેતા પચાસ લોકોને કોરોના કેસની સંખ્યાના આધારે માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.


નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોનાના 890  નવા કેસ નોંધાયા હતા જ્યારે 594  લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક મૃત્યુ થયું છે. સુરત કોર્પોરેશનમાં 1 મોત થયું છે.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4425 લોકોના કોરોનાથી મોત થયા છે.


રાજ્યમાં અત્યાર સુધી 2,69,955 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.72 ટકા પર પહોંચ્યો છે. હાલ 4717  એક્ટિવ કેસ છે, જેમાંથી 56 લોકો વેન્ટિલેટર પર અને 4661  લોકો સ્ટેબલ છે.