સાબરકાંઠાઃ હિંમતનગરના ઉમિયા કોમ્પલેક્ષના ધાબા પરથી યુવાને મોતની છલાંગ લગાવતાં અરેરાટી વ્યાપી ગઈ છે. યુવકે ધાબા પરથી છલાંગ લગાવતા બ્લોક પર પડતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હિંમતનગર બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે. યુવકની આત્મહત્યાને પગલે લોકોના ટોળેટોળા ઉમટયા હતા. જોકે, યુવકની આત્મહત્યાનું કારણ અકબંધ છે. લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી અપાઈ છે.
ગમે તેવી મુશ્કેલી હોય તેનું કોઈને કોઈ નિવારણ હોય જ છે. આત્મહત્યા કોઈપણ મુશ્કેલીનું નિવારણ નથી. આત્મહત્યા કરનાર વ્યક્તિ પોતાના અંતિમ પગલાંથી ઓછામાઓછા 134 લોકોને પરેશાન કરે છે. આ રિપોર્ટ WHOનો છે. આત્મહત્યાના બનાવો અટકાવવા સમગ્ર વિશ્વ પ્રયાસ કરી રહ્યું છે. ગુજરાત સરકાર પણ આ બાબતે કાર્યરત છે અને તેમાં ગુજરાતને સફળતા પણ મળી છે.
વર્ષ 2016માં સમગ્ર દેશમાં આત્મહત્યાના બનતા બનાવોમાં ગુજરાત 11માં સ્થાને હતું. 5 વર્ષના પ્રયાસો બાદ વર્ષ 2019માં ગુજરાત 15માં સ્થાને પહોંચ્યું હતું. જોકે વર્ષ 2020માં ફરી ગુજરાતમાં આત્મહત્યાના બનાવો વધતા ગુજરાત 12માં ક્રમે છે. ગુજરાત સરકાર દ્વારા આત્મહત્યાના બનાવો અટકાવવા લોકજાગૃતિના કાર્યક્રમો ઉપરાંત આવા વિચારો ધરાવતી વ્યક્તિઓની ઓળખ કરી તેના નિદાન અને દવા માયેની વ્યવસ્થા ઉભી કરી છે. દરેક જિલ્લા મથકે અને મહાપાલિકા વિસ્તારમાં માનસિક બીમારીના નિદાન માટે હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત સખીમંડલ અને વિવિધ ngo અને શાળાઓમાં આ અંગેની તાલીમ પણ આપવામાં આવે છે. કોરોનાકાળમાં માનસિક બીમારીનું પ્રમાણ વધ્યું છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ માનસિક બીમારીનું પ્રમાણ વધ્યું છે. નજીકના અને સાગા - સંબંધીઓને મળવાનું ન થતા માનસિક બીમારી વધી હોવાનું તારણ સામે આવ્યું છે.
ગુજરાતમાં આત્મહત્યાના બનાવો
વર્ષ 2016માં 7735 આત્મહત્યાના બનાવો બન્યા હતા
વર્ષ 2017માં 7885 આત્મહત્યાના બનાવો બન્યા હતા
વર્ષ 2018માં 7793 આત્મહત્યાના બનાવો બન્યા હતા
વર્ષ 2019માં 7654 આત્મહત્યાના બનાવો બન્યા હતા
વર્ષ 2020માં 7488 આત્મહત્યાના બનાવો બન્યા હતા