અંકલેશ્વરઃ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના મોતાલી ગામના યુવકે 8 વર્ષથી લીવ ઇનમાં રહેતી 34 વર્ષીય પ્રેમિકાની સાઈનાઈડનું ઇન્જેક્શન આપી હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. યુવતીની ઓરેન્જ હોસ્પિટલમાં સારવાર ચાલકી હતી ત્યારે પ્રેમી યુ્વકે ગ્લુકોઝની બોટલમાં સાઈનાઈડ આપી હત્યા કર્યાનું એક મહિના બાદ પીએમ રિપોર્ટ આવતાં ખૂલ્યું છે. પોલીસે હત્યા તેમજ એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી પ્રેમીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
અંકલેશ્વર તાલુકાના મોતાલી ગામે આવેલી ગણેશ રેસિડેન્સીમાં રહેતો જીગ્નેશ પટેલ કેમિકલ કંપનીમાં નોકરી કરે છે. તે સારંગપુરની 34 વર્ષીય ઉર્મિલાબેન વસાવા સાથે 8 વર્ષથી લિવ-ઈનમાં રહેતો હતો. ઉર્મિલાબેનમાં પ્રથમ લગ્ન રાજપીપળા ખાતે કુમસ ગામના શુક્લભાઈ સાથે થયા હતા. આ લગ્નજીવન નિષ્ફળ રહેતાં ઉર્મિલાબેન દીકરા અને દીકરી સાથે પિયર સારંગપુરમાં પરત આવીને રહેતા હતા.
ઉર્મિલાને સારંગપુરમાં જીગ્નેશ પટેલ સાથે શારીરિર સંબંધ બંધાયો હતો. બંને ખાનગીમાં શરીર સુખ માણતાં હતા પણ પછી ના રહેવાતાં લિવ-ઈનમાં સાથે રહેવા લાગ્યાં હતાં જ્યારે બંને બાળકો તેમના પિયરમાં જ રહેતાં હતાં.
દરમિયાન 8 જુલાઈના રોજ જીગ્નેશ પટેલે ઉર્મિલાના ભાઇ વિજય વસાવાને ફોન કરી જણાવ્યું હતું કે, તમારી બહેનને છાતીમાં દુઃખાવો ઉપડ્યો છે તેથી દવાખાને જવા રીક્ષામાં આવું છું. જીજ્ઞેશ રીક્ષા લઈને આવતા બંને ઈકો કાર લઈને ઓરેન્જ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા. તબીબોએ કરેલા તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા પણ અચાનક પુનઃ ઉર્મિલાબેનની તબિયત લથડી હતી. જે બાદ તેમનું મોત થયું હતું.
મહિલાનું અચાનક મોત થતાં તબીબને શંકા ગઈ હતી પણ જીગ્નેશ પટેલે પી.એમ. કરાવવાની ના પાડતાં મહિલાના ભાઈ વિજય વસાવાને શંકા વધુ મજબૂત થતાં તેણે અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે મૃતકનું પેનલ પી.એમ. કરાવ્યું હતું. હોસ્પિટલમાંથી બોટલ અને મૃતક ઉર્મિલાબેનના વિશેરા લઈ તબીબી પૃથક્કરણ માટે મોકલી આપ્યા હતા. પીએમ રિપોર્ટ આવતા ઉર્મિલાબેનનું મોત સાઇનાઇડથી થયું હોવાનું બહાર આવતા શહેર પોલીસે મૃતક ઉર્મિલાબેનના ભાઈ વિજય વસાવાની ફરિયાદના આધારે જીગ્નેશ પટેલ વિરુદ્ધ હત્યા તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે જીગ્નેશની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.