ગાંધીનગરઃ ગુજરાતમાં ચાલુ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ હવે આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈ તૈયારીઓ શરૂ કરશે.  જેના ભાગરૂપે જ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલની સૂચનાથી દિલ્હીના છ ધારાસભ્ય ગુજરાતમાં આવશે.


દિલ્હીના ધારાસભ્ય નરેશ યાદવ, વિજય રવિ, અજેશ યાદવ, દિલીપ પાંડે, સૌરભ ભારદ્વાજ અને ગુલાબસિંહ યાદવ ગુજરાત પ્રવાસે આવશે.  દિલ્લીના તમામ ધારાસભ્યો ગુજરાતની ટીમ સાથે રહીને ગુજરાતનો સંકલ્પ, આમ આદમી પાર્ટી વિકલ્પ અભિયાન અંતર્ગત દરેક જિલ્લા મથકે તિરંગા યાત્રા યોજશે.






 


વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ


વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન મોદી સવારે 10 વાગ્યે રાજભવનથી નીકળશે અને દહેગામ સુધી રોડ શો યોજશે. આ રોડ શોમાં વડાપ્રધાન મોદીનું અલગ અલગ સ્થળ પર સ્વાગત કરવામાં આવશે. રોડ શો પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમા કેમ્પસનું ઉદ્ઘાટન અને પ્રથમ પદવીદાન સમારોહમા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બપોરે 1 વાગ્યા આસપાસ પ્રધાનમંત્રી મોદી રાજભવન પરત ફરશે. જે બાદ સાંજે છ વાગ્યે અમદાવાદના નવરંગપુરમાં ખેલ મહાકુંભનો પ્રારંભ કરાશે. પીએમ મોદી સાંજે 6 વાગ્યે સરદાર પટેલ સ્ટેડિયમમાં 11માં ખેલમહાકુંભનો પ્રારંભ ઉદ્ધાટન કરાવશે. ગઈકાલે સાંજે ગૃહરાજ્યમંત્રી અને રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભની તૈયારીઓની સમીક્ષા કરી હતી. સાંજના સમયે ગ્રાન્ડ રિહર્સલ યોજાયું હતુ. સરદાર પટેલ સ્ટેડિયમમાં લાઇટિંગ અને સ્ટેજ ઉભા કરવામાં આવ્યા છે. જ્યારે કાર્યક્રમ શરૂ થશે ત્યારે સમગ્ર સ્ટેડિયમ લાઇટોથી ઝળહળી ઉઠશે. ખેલ મહાકુંભના ઉદ્ધાટન સાથે ગુજરાતની નવી સ્પોર્ટ્સ પોલિસી 2022ની પણ જાહેરાત થશે. આ સાથે જ રંગારંગ કાર્યક્રમો, ખેલાડીઓ સાથે વિશેષ કાર્યક્રમોનું આયોજન પણ કરાયું છે. તો 50 હજારથી વધારે લોકો હાજર રહેશે. જ્યારે પાંચ લાખ લોકો ઓનલાઇન આ કાર્યક્રમ નિહાળશે.