ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ગુજરાતના પ્રવાસ પર છે. આ દરમિયાન સવારે તેમણે રોડ શો કર્યો હતો. બપોર બાદ સરપંચ સંમેલનને સંબોધન કર્યું હતું. હાલમાં પ્રધાનમંત્રી મોદી તેમના માતા હિરાબાને મળવા માટે તેમના નિવાસ સ્થાન રાયસણ પહોંચ્યા છે.  પ્રધાનમંત્રી મોદીએ માતા હિરાબા સાથે ભોજન કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ માતા હિરાબાના આર્શીવાદ મેળવ્યા હતા. 


 






પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. અમદાવાદ એરપોર્ટથી રોડ શો કર્યા બાદ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રી ગુજરાત પંચાયત મહાસંમેલનમાં હાજરી આપી હતી. 


પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી તેમના ભાઇ પંકજ મોદીના ઘરે ગાંધીનગર ખાતે રહેતા હીરા બાને મળવા માટે પહોંચ્યા હતા. રાતનું ભોજન પણ માતા સાથે જ લીધું હતું. આ ઉપરાંત તેમણે માતાના આશિર્વાદ પણ પ્રાપ્ત થયા હતા. કોરોના કાળમાં તેઓએ માતાને મળી શક્યા નહોતા. જેના કારણે આજે લાંબા સમય બાદ માતા સાથે મુલાકાત કરી હતી. તેમના આશિર્વાદ પણ લીધા હતા. પ્રધાનમંત્રી મોદી જ્યારે ગુજરાતમાં આવે ત્યારે તેઓ માતા હિરાબાની મુલાકાત લેતા હોય છે. 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આજે સવારે તેઓ અમદાવાદ આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ સુધી 10 કિ.મી. રોડ-શો  કર્યો હતો. ત્યારબાદ કમલમ ખાતે ધારાસભ્યો અને સંસદ સભ્યો તથા ભાજપના પદાધિકારીઓ  સાથે બેઠક યોજી હતી. બપોરે પ્રધાનમંત્રી મોદીએ  જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સરપંચ સંમેલનમાં હાજરી આપી હતી.  જેમાં રાજ્યભરના સરપંચ અને જિલ્લા પંચાયતના સભ્યોને સંબોધ્યા હતા. ત્યારબાદ રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપી હતી.


પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના બે દિવસના સંભવિત કાર્યક્રમો મુજબ 12 માર્ચના રોજ  પીએમ મોદી નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે.  આ સાથે  પ્રધાનમંત્રી મોદી રક્ષાશક્તિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહી દીક્ષાંત પ્રવચન પણ આપશે. દોઢ દિવસના ગુજરાતના પ્રવાસમાં પીએમ મોદીના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ પાલડી નજીક તૈયાર કરાયેલા સ્પોર્ટસ કોમ્પલેક્સ તથા પશ્ચિમ અને પૂર્વ ફ્રન્ટને જોડતા વોક-વેનું પણ લોકાર્પણ કરવામાં આવશે.