Gopal Italia Video Viral: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા તેમના જુના વીડિયોને લઈ સતત ચર્ચામાં છે. ત્યારે હવે ફરીથી ગોપાલ ઈટાલિયાનો વધુ એક જુનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો ગુજરાત ભાજપના મીડિયા હેડ યજ્ઞેશ દવેએ ટ્વીટ કર્યો છે. આ વીડિયોમાં ગોપાલ ઈટાલિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના મા હીરાબા વિશે બોલી રહ્યા છે.


શું છે આ નવા વીડિયોમાં?


વીડિયોમાં દેખાય છે કે, ગોપાલ ઈટાલિયા એક કારમાં બેઠા છે અને કહી રહ્યા છે કે, "તમે નરેન્દ્ર મોદીની સભાનો ખર્ચો કેમ નથી માંગતા, ખર્ચો માંગો. હિરાબા આવીને નાટકો કરે છે. મોદી 70 વર્ષના થવા આવ્યા અને હિરાબા 100 વર્ષે પહોંચવા આવ્યા તોય બંનેમાંથી કોઈ નાટકો બંધ કરતા નથી." આ વીડિયોને ટ્વીટ કરતાં યજ્ઞેશ દવેએ લખ્યું છે કે, પીએમ મોદી અને તેમનાં માતા હિરાબા વિશે આ આદમી ખરાબ શબ્દોનો ઉપયોગ કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયો કયા સમયનો છે તે અંગે હાલ પુષ્ટી થઈ શકી નથી. 






દિલ્હી પોલીસે ગોપાલ ઈટાલિયાની અટકાયત કર્યા બાદ છોડવામાં આવ્યા


નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે વાંધાજનક ટિપ્પણી મામલે ગોપાલ ઈટાલિયાનો વીડિયો વાઈરલ થયા બાદ ઈટાલિયાને રાષ્ટ્રીય મહિલા પંચે આજે ગુરુવારે બપોરે 12:30 વાગ્યે બોલાવ્યા હતા. જ્યાં ગોપાલ ઈટાલિયા હાજર થયા બાદ દિલ્હી પોલીસે ઈટાલિયાની અટકાય કરી હતી. મહિલા આયોગે આક્ષેપ કર્યો હતો કે, ગોપાલ ઇટાલિયા પૂછપરછમાં સહયોગ નથી આપી રહ્યા. જે બાદ પોલીસે ઈટાલિયાની અટકાયત કરી હતી. જોકે 4 કલાક બાદ ઈટાલિયાને છોડી મુકવામાં આવ્યા હતા. 


ગોપાલ ઈટાલિયાએ છૂટ્યા બાદ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, હું પાટીદાર છું એટલા માટે હેરાન કરવામાં આવે છે. મેં કોઈ ગુનો કર્યો જ નથી તો શા માટે મારી અટકાયત કરવામાં આવી. મને કોઈ પણ જાતની જાણ કર્યા વગર બેસાડી રાખવામાં આવ્યો. હું પાટીદાર સમાજનો યુવાન છું એટલે મારી અટકાયત થઈ. BJP પાર્ટી પાટીદારો સાથે નફરત કરે છે કારણ કે, પાટીદારો ભાજપથી નારાજ છે.