જેમાં તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના કુલ 31 ઉમેદવારોની જીત થઈ છે. જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આપના બે ઉમેદવારની જીત થઈ છે. તો પાલિકાની વાત કરવામાં આવે તો 81 નગરપાલિકામાં આપના 9 ઉમેદવારની જીત થઈ છે.
અગાઉ સુરત મહાનગરપાલિકામાં AAPના ઝાડૂથી કૉંગ્રેસના સૂપડા થઈ ગયા હતા. સુરત મનપામાં AAPના 27 કોર્પોરેટર ચૂંટાયા હતા. જ્યારે કૉંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી ન હતી. ત્યારે હવે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ આપની એંટ્રી થઈ છે.
નોંધનીય છે કે, વિધાનસભાની પેટાચૂંટણી, મહાનગરપાલિકા બાદ પંચાયતોમાં ભાજપે સતત વિજય મેળવ્યો છે. રાજ્યમાં 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાં કેસરિયો છવાયો છે. જયારે કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થયો છે. ભાજપે વિજયની હેટ્રિક નોંધાવી છે.
31 જિલ્લા પંચાયતો, 196 તાલુકા પંચાયતો, 75 નગર પાલિકાઓમાં ભાજપનો કેસરિયો લહેરાયો છે અને શહેરી મતદારોની જેમ ગ્રામિણ મતદારોએ પણ વિકાસની રાજનીતિ પર મહોર મારી છે.
ભાજપે તાલુકા પંચાયતમાં 3236, જિલ્લા પંચાયતમાં 771 અને નગરપાલિકામાં 2027 બેઠકો મેળવી છે. પાલિકા-પંચાયતોમાં પરિણામ બાદ ભાજપના નેતા-કાર્યકરોએ ગુલાલ ઉડાડી જીતનો જશ્ન મનાવ્યો હતો. તો મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના નેતાઓએ મોં મીઠા કરી જીતને આવકારી હતી. ભાજપે મહાનગરપાલિકા, નગરપાલિકા,પંચાયતોમાં ડંકો વગાડી વર્ષ 2022માં જીત માટેનો માર્ગ મોકળો કરી દીધો છે.