કોઈ પણ રાજ્ય તેમજ દેશના પાયાના વિકાસમાં યોગ્ય જળ વ્યવસ્થાપન ખૂબ જ મહત્વનું પરિબળ છે. જળ એ જીવન છે એ મંત્રને સાર્થક કરવાની સાથે “મા” નર્મદાના દરિયામાં વધારાના વહી જતા નીર –પાણીથી સૌરાષ્ટ્ર - કચ્છની વર્ષોથી તરસી ધરાને તૃપ્ત કરવાના ભગીરથ પ્રયાસ સાથે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ‘સૌની યોજના’નો ફેબ્રુઆરી-૨૦૧૪માં શિલાન્યાસ કર્યો હતો.  સૌની યોજના’ થકી સૌરાષ્ટ્રના અંદાજે ૬.૫ લાખ એકર વિસ્તારમાં પિયત તથા પીવાના પાણીનો લાભ મળતો થઇ ગયો છે અને આ વિસ્તાર ના ૧૧ જિલ્લાઓના ૯૯ જળાશયો, ૧૯૦ ગામ તળાવો અને ૧૬૧૩ ચેકડેમો નર્મદાના નીરથી ભરાયા છે. 


વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રની ધરાને પાણી આપવાનું જોયેલુ સપનું આજે પૂર્ણ થયું છે. ‘વિકસિત ભારત’ની યાત્રામાં જળ વ્યવસ્થાપનની ભૂમિકા મહત્વની પૂરવાર થઇ રહી છે.  ઉલ્લેખનિય છે કે જળ સંપત્તિ વિભાગની યાદીમાં જણાવાયું છે કે,સૌરાષ્ટ્ર વિસ્તારના નાગરિકો અને ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર  પટેલના માર્ગદર્શનમાં અને જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના નેતૃત્વમાં  ‘સૌની યોજના’ થકી નર્મદાના નીરને શહેરો અને અંતરિયાળ ગામો સુધી પહોચાડ્યા છે.


સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરીગેશન યોજના - સૌની યોજના અંતર્ગત નર્મદાના પૂરના વધારાના પાણી પૈકી એક મીલીયન એકર ફીટ પાણી (૪૩,૫૦૦ મીલીયન ઘન ફુટ) સૌરાષ્‍ટ્ર વિસ્‍તારને ફાળવવામાં આવ્યું છે, પરિણામે સૌરાષ્‍ટ્રના ૧૧૫ જળાશયો ભરીને સિંચાઈ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવામાં આવી છે. ૯૭૦ કરતા વધુ ગામોને સિંચાઈનું પાણી, ૭૩૭ ગામો અને ૩૧ શહેરોને પીવાનું પાણી પહોંચ્યું છે. સૌરાષ્ટ્રના ૮.૨૫ લાખ એકર જેટલા વિસ્તારમાં પિયત તથા પીવાના પાણીનો લાભ આપવાનું સઘન આયોજન પણ કરવામાં આવ્યું છે. જે માટે ૪ લીંક પાઇપલાઈન નહેરોનું પણ આયોજન છે.


આ ૪ લીંક પાઈપ લાઈન નહેરો લીંક-૧  (મચ્છુ-૨ બંધથી સાની બંધ સુધી (૨0૮ કિ.મી.)), લીંક-૨ (લીંબડી-ભોગાવો-૨ બંધથી રાયડી બંધ સુધી (૨૯૯ કિ.મી.)), લીંક-3- (ધોળીધજા બંધથી વેણુ-૧ બંધ સુધી (૨૯૯ કિ.મી.)), લીંક-૪ (લીંબડી-ભોગાવો-૨ બંધથી હીરણ-૨ બંધ સુધી (૫૬૫ કિ.મી.))થી સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોને પાણીનો લાભ મળશે. આ યોજનાથી રાજ્યના ૧૧ જિલ્લાઓને સિંચાઇ સુવિધાનો લાભ મળશે. રાજ્યના ૩૧ શહેરો, ૭૩૭ ગામોને પીવાના પાણીનો લાભ મળશે. આ ૪ લીંક પાઈપ લાઈન નહેરો પાછળ અંદાજિત ૧૮,૫૬૩ કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે.


આ ચારેય લીંક પાઇપલાઇન દ્વારા રાજકોટ જિલ્લાના-૨૩, મોરબી જિલ્લાના-૬, ગીર સોમનાથ જિલ્લાના-૧, બોટાદ જિલ્લાના-૪, જામનગર જિલ્લાના-૨૫, જુનાગઢ જિલ્લાના-૧૩, પોરબંદર જિલ્લાના-૪, ભાવનગર જિલ્લાના-૧૧, અમરેલી જિલ્લાના-૧૧, દેવ ભુમિ દ્વારકા જિલ્લાના-૧૧, સુરેંદ્રનગર જિલ્લાના–૬ મળીને કુલ ૧૧૫ જળાશયો ભરવા આયોજન છે. 


 


 રાજ્ય સરકાર દ્વારા ‘સૌની યોજના’ અંતર્ગત સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુલ ૧૩૨૦ કિમીની પાઇપલાઇન નાખવામાં આવી છે જેના થકી નર્મદાનું કુલ ૧,૦૯,૯૧૧ મિલિયન ક્યુબિક ઘનફૂટ પાણી તબક્કાવાર સૌરાષ્ટ્રમાં પહોંચ્યું છે. જેમાં ૯૯ જળાશયો, ૧૯૦ ગામ તળાવો અને ૧૬૧૩ ચેકડેમોમાં પાણી પૂરું પાડવામાં આવ્યું છે. જેના થકી સૌરાષ્ટ્ર વિસ્તારના લગભગ ૧૧ જિલ્લાઓમાં ૬.૫ લાખ એકર વિસ્તારમાં સિંચાઈની અને પીવાના પાણીની વ્યવસ્થામાં નોંધપાત્ર વધારો થયો છે.