મહેસાણા: રવિવારે ઊંઝામાં ‘લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ’ની પૂર્ણાહુતિ થઈ હતી. 60 લાખથી વધુ ભક્તોએ આ મહોત્સવના સાક્ષી બન્યા હતા. આ યજ્ઞમાં પાટલાના યજમાન સહિત પાંચ દિવસની મુલાકાત દરમિયાન અંદાજે 60 કરોડનું દાન આપ્યું હતું. બપોરે 2.30થી 4 વાગ્યે કુલ 108 હોમાત્મક યજ્ઞ કુંડમાં આહુતિ આપી પૂર્ણાહૂતિનો હોમ કરવામાં આવ્યો હતો. લાખો પાટીદારોએ સેવા કરી આ મહાયજ્ઞને સફળ બનાવ્યો હતો.

રવિવારે લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના અંતિમ દિવસે 55 લાખ દાન પેટે મળ્યાં હતાં. રૂપિયા 200ની હુંડીરૂપે 85 લાખ તેમજ લક્ષચંડી યજ્ઞમાં રવિવારે રૂપિયા 15 લાખ હુંડી પેટે મળ્યા હતા. રૂપિયા 5-5 હજારના દાન પેટે રૂપિયા 7 લાખ, જ્યારે ઘીની આહુતિ પેટે પાંચ દિવસમાં રૂપિયા 55 લાખ દાન પેટે મળ્યાં હતા.

કુલ મળીને મહોત્સવમાં રૂપિયા 25 કરોડનું દાન મળ્યું હતું. 500 વીઘા વિસ્તારમાં ફેલાયેલા ઉમિયાનગરમાં 18મી ડિસેમ્બરથી શરૂ થયેલા લક્ષચંડી મહાયજ્ઞમાં અત્યાર સુધીમા 60 લાખથી વધુ લોકો આવ્યા હતાં.

યજ્ઞશાળાની પરિક્રમા કરવાનું મેળવવા શ્રદ્ધાળુઓ ઊલટભેર એકથી માંડીને પાંચ કે દસ પરિક્રમા કરવાનો લ્હાવો મેળવી રહ્યા હતા. સાંજે 5 વાગ્યા બાદ યજ્ઞશાળા અને ધર્મ સભાગૃહમાં સાઉન્ડનો સુર વિરામ થયો હતો. ત્યાર બાદ સાંજે લોકોનો આવવાનો પ્રવાહ ધીમો પડ્યો હતો.

લાખો પાટીદારો સહિત તમામ જ્ઞાતિના શ્રદ્ધાળુઓએ લક્ષચંડી મહાયજ્ઞની પૂર્ણાહૂતિ સમયે દર્શન કરી જીવનની ધન્યતા અનુભવી હતી. છેલ્લા દિવસે આશરે 10 લાખ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શનનો લ્હાવો લઇને ધન્યતા અનુભવી હતી.