ભાવનગરનાં પાલીતાણામાં દિવાલ ધરાશાયી થતાં પાંચ મજૂરો દટાઈ ગયા હતા જેમાંથી ત્રણ મજુરના મોત નિપજ્યાં છે જ્યારે 2 શ્રમિકોને નાની-મોટી ઈજાઓ થઈ છે. ઈજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. પાલીતાણાના તળેટી રોડ પર આવેલી જૂની ધર્મશાળાને તોડવાની કામગીરી ચાલુ હતી ત્યારે એકાએક દીવાલ તૂટતા પાંચ લોકો દટાઈ ગયા હતાં.
પાલીતાણામાં આરીસા ભવનમાં છેલ્લા દોઢ વર્ષથી ધર્મશાળા તોડવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક દિવાલ ધરાશાયી થઈ હતી જેના કારણે દોડધામ મચી ગઈ હતી. દિવાલ ધરાશાયી થતાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યાં હતાં.
નોંધનીય છે કે, શનિવારે પણ અમદાવાદમાં દીવાલ ધરાશાયી થવાને કારણે 2 મજૂરોનાં મોત નિપજ્યા હતા. સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ ભાગમાં એનઆઇડીની પાછળના ભાગે સ્પોર્ટસ સંકુલના અપર પ્રોમિનોડના વોક-વેને અડીને બેથી અઢી ફુટની દિવાલ ધરાશાયી થઇ હતી. ચાર મજુર દટાઇ ગયા હતા જેમાં બે મહિલા મજૂરના મોત નિપજ્યાં જ્યારે અન્ય બે મજુર ઘાયલ થયા હતાં.