ગુજરાતમાં તમામ પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન છે. તમામ પક્ષોના નેતાઓએ પ્રચારમાં પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. સી-વોટરે ગુજરાતની ચૂંટણીને લઈને એબીપી સમાચાર માટે સાપ્તાહિક સર્વે કર્યો છે. આ સર્વેમાં ગુજરાતના 2 હજાર 128 લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસમાં સર્વે કરવામાં આવ્યો છે. તેમાં ભૂલનું માર્જિન પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.


સી-વોટરે સર્વે દરમિયાન ગુજરાતની જનતાને પ્રશ્ન પૂછ્યો હતો કે રૂપાણી અને નીતિન પટેલ ચૂંટણી નહીં લડે તો તેનાથી ભાજપને ફાયદો થશે કે નુકસાન ? આ પ્રશ્નના ખૂબ જ આશ્ચર્યજનક જવાબો મળ્યા છે. સર્વેમાં 42 ટકા લોકોએ કહ્યું કે રૂપાણી, નીતિન પટેલ ચૂંટણી નહીં લડે તો ભાજપને ફાયદો થશે. જ્યારે 38 ટકા લોકો માને છે કે જો આ બંને નેતાઓ ચૂંટણી નહીં લડે તો ભાજપને નુકસાન થશે. બીજી તરફ 20 ટકા લોકોનું કહેવું છે કે જો બંને ચૂંટણી નહીં લડે તો તેની કોઈ અસર નહીં થાય.


રૂપાણી, નીતિન પટેલ ચૂંટણી નહીં લડે ભાજપને ફાયદો કે નુકસાન ?
સ્ત્રોત- સી વોટર


ફાયદો-42%
નુકશાન-38%
કોઈ અસર નહીં થાય - 20%



ઘણા વરિષ્ઠ નેતાઓ ચૂંટણી લડી રહ્યા નથી


ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ બંનેએ આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. વિજય રૂપાણી (66), રાજકોટ પશ્ચિમના વર્તમાન ધારાસભ્ય છે અને ઓગસ્ટ 2016 થી સપ્ટેમ્બર 2021 સુધી મુખ્યમંત્રી હતા. સપ્ટેમ્બર 2021 માં ભાજપ દ્વારા તેમની અને સમગ્ર મંત્રીમંડળને બદલી નાખવામાં આવ્યું હતું.  ભાજપના અન્ય બે વરિષ્ઠ નેતાઓ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદિપસિંહ જાડેજા - જેઓ રૂપાણી કેબિનેટમાં મંત્રી હતા તેમણે પણ જાહેરાત કરી છે કે તેઓ આ વખતે ટિકિટ માંગશે નહીં.


8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે


ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.  પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન યોજાશે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન યોજાશે.