Abu Dhabi: અબુ ધાબીમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાય 'બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા' (BAPS) દ્ધારા બનાવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મંદિરનું ઉદ્ધાટન કરશે. બીએપીએસ તરફથી વડાપ્રધાન મોદીને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. સ્વામી ઈશ્વરચરણદાસ અને સ્વામી બ્રહ્મવિહારીદાસે વડાપ્રધાન મોદીને 14 ફેબ્રુઆરી 2024ના યોજાનારા મંદિરના ઉદ્ધાટન સમારોહ માટે આમંત્રણ પાઠવ્યું હતું. PM મોદીએ ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત મંદિર માટે તેમનું સમર્થન વ્યક્ત કરીને આમંત્રણનો સ્વીકાર કર્યો હતો.
પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસે પરંપરાગત રીતે હાર પહેરાવીને અને કેસરી શાલ ઓઢાડીને પીએમ મોદીનું સન્માન કર્યું હતું. અબુ ધાબી ખાતે નવનિર્મિત સ્વામિનારાયણ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ પત્રિકામાં મહંતસ્વામી મહારાજે પીએમ મોદી ને ‘પ્રમુખ સ્વામીના પ્રિય પુત્ર’ તરીકે સંબોધિત કર્યા છે.
અબુ ધાબીના હિંદુ મંદિરના પ્રતિનિધિમંડળે પીએમ મોદી સાથે લગભગ એક કલાક સુધી અનૌપચારિક મુલાકાત કરી હતી. આ દરમિયાન વૈશ્વિક સંવાદિતા માટે હિન્દુ મંદિરોના મહત્વ અને વૈશ્વિક મંચ પર ભારતના આધ્યાત્મિક નેતૃત્વના મોદીના વિઝનની પણ ચર્ચા કરવામાં આવી હતી.
નોંધનીય છે કે અબુ ધાબીનું આ પહેલું હિંદુ મંદિર છે, જે અલ વાકબા સ્થળ પર 20,000 ચોરસ મીટરની જમીન પર બનેલું છે. આ મંદિરને ખૂબ જ આધુનિક શૈલીમાં બનાવવામાં આવ્યું છે. પ્રાચીન કલા અને આધુનિક સ્થાપત્યના સમન્વયથી બનેલા આ મંદિરનું કોતરકામ અજોડ છે. મંદિરની વેબસાઇટ અનુસાર, આ મંદિર શાહી, પરંપરાગત હાથથી કોતરેલા પથ્થરોથી બનેલું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018માં આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. આ મંદિરને ભારત અને UAE વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. પીએમ મોદીએ આ મંદિર નિર્માણ પ્રોજેક્ટને ભારત અને UAE વચ્ચેના ગાઢ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોનું પ્રતીક ગણાવ્યું હતું.