Junior Clerk Paper Leak: જુનીયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા પર હવે બીજેપીની વિદ્યાર્થી પાંખ એબીવીપીએ પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે,  કૌભાંડમાં‌ સંડોવાયેલા લોકોને તાત્કાલિક પકડી ઉદાહરણ બેસે તેવી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આ કૌભાંડનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે. આ ઉપરાંત મોકુફ થયેલ પરિક્ષાની તારીખ ૨૪ કલાકમાં જાહેર કરવામાં આવે અને ૨૦ દિવસની અંદર આ પરીક્ષાનું આયોજન થાય. 


 



ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની પરીક્ષાનું પેપર લીક થવાની ઘટનાથી ગુજરાતના યુવાનો સાથે વિશ્વાસઘાત થયો છે. વારંવાર પેપર લીક થવાથી સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા તંત્ર પર ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. ગુજરાત સરકારનું વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે. જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર ક્લાર્ક (વહીવટી/હીસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા આજે તા. ૨૯/૦૧/૨૦૨૩ (રવિવાર) ના રોજ સવારે ૧૨:૦૦ કલાકે વિવિધ જીલ્લાઓમાં યોજાવનાર હતી. પરંતુ પંચાયતી સેવા પસંદગી મંડળ નાકામ રહ્યુ છે. પોલીસને મળેલ બાતમી અનુસાર એક શંકાસ્પદ ઈસમની ધરપકડ કરતા તેની પાસેથી આજની પરીક્ષાનું પ્રશ્નપત્ર મળી આવતા પેપરલીકનું કૌભાંડ બહાર આવ્યું. વિધાર્થી પરિષદ દ્વારા પણ વારંવાર પેપરલીકને લઈને અનેકવાર રજુઆતો કરવામાં આવેલી છે. પરંતું પંચાયતી સેવા પસંદગીની નિષ્ફળતાના કારણે કેટલાય વિધાર્થીઓના ભાવિ પર પ્રશ્નાર્થ ઊભો થયો છે. 


વિધાર્થી પરિષદની સરકાર સમક્ષ માંગ 


૧. ૨૪ કલાકમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવે. 
૨. ૨૦ દિવસની અંદર અંદર આ પરીક્ષા લેવામા‌ આવે.
૩. પરીક્ષા માટે પરીક્ષાર્થીઓ માટે આવશ્યક વ્યવસ્થાઓ યાત્રા, નિવાસ, ભોજનની વિશેષ જવાબદારી રાજ્ય સરકાર લે.
૪. આ પેપર લીક કૌભાંડ પર SITની રચના કરવામાં આવે.
૫. આ કૌભાંડમાં જવાબદાર વ્યક્તિઓ પર રાજદ્રોહનો કેસ લગાવવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાયલ ચલાવવામાં આવે અને આરોપીઓને ત્વરિત કડકમાં કડક સજા કરવામાં આવે.
૬. સ્પર્ધાત્મક પરીક્ષા તંત્રમાં યોગ્ય અધિકારીઓ, શિક્ષણવિદોની ખાલી પડેલ મહત્વના પદો પર જલ્દી નિયુક્તિ થવી જોઈએ.
૭. આરોપીઓની પ્રિન્ટીંગ પ્રેસ, કોચિંગ, સંપતિની સરકાર હરાજી કરીને દાખલો બેસાડવો જોઈએ.


અ.ભા.વિ.પ પ્રદેશ મંત્રી કુ. યુતિ બેન ગજરે જણાવ્યું કે, આ સ્પર્ધાત્મક પરીક્ષાઓના મંડળના તંત્રની રચના પર ફરી વિચાર પણ થવો જોઈએ. અને તેમા પ્રદેશના ઉચ્ચ શિક્ષાવિદો અને પ્રમુખ અનુભવી લોકો‌ને સમિતિમાં સ્થાન આપવું જોઈએ. તથા બહારી પ્રાઈવેટ એજન્સીઓને કામ આપવામા આવે છે,  પરંતુ મંડળે પોતાને રાખવી પડતી ગુપ્તતા પર પણ પશ્ન ઉભા થાય છે. ત્યારે આ રીતે વારંવાર પેપરલીક થવાની ઘટના વિધાર્થી પરિષદ સહેજ પણ સાંખી નહીં લે, અને આજે વિધાર્થી પરિષદ દ્વારા તમામ જિલ્લા કલેકટર કચેરીએ કલેકટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પણ આપવામાં આવશે.